મફલર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીના સન્માનમાં આયોજિત આ ઈવેન્ટમાં કલા અને સંસ્કૃતિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો, જ્યાં ન્યૂઝીલેન્ડના પરંપરાગત ‘હાકા’ (Haka) નૃત્ય અને ભારતના ‘કથક’ વચ્ચે અનોખી જુગલબંધી રજૂ કરવામાં આવી હતી.
૨૫-૩૦ વર્ષ જૂની યાદો તાજી કરી કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ૨૫ થી ૩૦ વર્ષ જૂની યાદોના પાના ઉથલાવીને ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન તરીકે આ મારી ન્યૂઝીલેન્ડની પ્રથમ મુલાકાત હોઈ શકે છે, પરંતુ જ્યારે હું રાજકારણમાં સક્રિય નહોતો અને મને કોઈ ઓળખતું નહોતું, ત્યારે મને ન્યૂઝીલેન્ડ આવવાની તક મળી હતી. તે સમયે મને એક મફલર, ટોપી અને ગ્લોવ્ઝ (મોજા) ભેટમાં મળ્યા હતા. આજે હું એ જ મફલર પહેરીને તમારી વચ્ચે આવ્યો છું. મેં વર્ષો સુધી તેનો ઉપયોગ કર્યો છે અને આજે પણ તેને સાચવીને રાખ્યો છે, જેમ હું તમારા પ્રેમને સાચવું છું.” પીએમ મોદીએ ઉમેર્યું કે ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ન્યૂઝીલેન્ડ આવ્યા છે અને તેઓ ૧૪૦ કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યા છે.
ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધો અને ‘વાકા’નો અર્થ બંને દેશોના મજબૂત સંબંધો પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે આ સંબંધો મિત્રતા, સમાન મૂલ્યો અને પરસ્પર પ્રતિબદ્ધતા પર આધારિત છે. તેમણે ન્યૂઝીલેન્ડની સંસ્કૃતિના સુંદર શબ્દ ‘વાકા’ (Waka) નો ઉલ્લેખ કર્યો, જેનો અર્થ ‘એક સંયુક્ત યાત્રા’ થાય છે. તેમણે કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડની આ ‘વાકા’ હવે એક નવી સફર માટે તૈયાર છે. આ સાથે જ તેમણે ન્યૂઝીલેન્ડમાં આવેલી ખંડાલા, બોમ્બે હિલ્સ, કલકત્તા સ્ટ્રીટ અને દિલ્હી ક્રેસન્ટ જેવી સડકોના નામ યાદ કરીને ભારતીય સંસ્કૃતિના પ્રભાવને બિરદાવ્યો હતો.
મહિલા સશક્તિકરણની પ્રશંસા ન્યૂઝીલેન્ડની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે ન્યૂઝીલેન્ડ વિશ્વનો એવો પ્રથમ દેશ છે જેણે મહિલાઓને વોટિંગ રાઈટ્સ (મતદાનનો અધિકાર) આપ્યા હતા. આજે ભારત પણ ‘વુમન-લેડ ડેવલપમેન્ટ’ (Women-led development) ના મંત્ર સાથે મહિલાઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલી રહ્યું છે.
ન્યૂઝીલેન્ડના પીએમએ કર્યા વખાણ આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને (Christopher Luxon) પીએમ મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવીને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં મદદ કરી છે અને તેઓ આપણા સમયના સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક નેતાઓમાંથી એક તેમજ ન્યૂઝીલેન્ડના સાચા મિત્ર છે.
