અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે એક જર્જરિત ઘરમાંથી એક જ પરિવારના 16 બાળકોને મુક્ત કરાવ્યા છે. આ તમામ બાળકો અત્યંત ગંદકી અને દયનીય હાલતમાં જીવી રહ્યા હતા. બાળકો એટલા કુપોષિત હતા કે ઘણા ખરાબ રીતે બીમાર પડી ગયા છે. પોલીસે આ કેસમાં બાળકોના માતા-પિતા અને દાદા-દાદી સહિત 4 લોકોની ધરપકડ કરી છે.
સર્ચ વોરંટ દરમિયાન થયો ખુલાસો
ઓહાયોના અટોર્ની જનરલ એન્ડી વિલ્સને જણાવ્યું કે, પોલીસ કોઈ અન્ય કેસની તપાસ માટે આ ઘરમાં સર્ચ વોરંટ લઈને પહોંચી હતી. પોલીસને અગાઉથી ખબર નહોતી કે ઘરની અંદર 16 બાળકો કેદ છે. જ્યારે અધિકારીઓ ઘરની અંદર ગયા, ત્યારે ત્યાંનો નજારો જોઈને ચોંકી ગયા હતા. આ બાળકોને ક્યારેય શાળાએ મોકલવામાં આવ્યા નહોતા. પરિવાર સિવાય કોઈને પણ આ બાળકો વિશે ખબર નહોતી.
12×12 ના નાના રૂમમાં નરક જેવી જિંદગી
બચાવવામાં આવેલા બાળકોની ઉંમર દોઢ વર્ષથી લઈને 18 વર્ષ સુધીની છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા 4 વર્ષથી બાળકોને 12 × 12 ફૂટના એક નાના રૂમમાં રાખવામાં આવ્યા હતા. રૂમમાં અને ઘરની આસપાસ માનવ મળ અને કચરાના ઢગલા હતા. વિન્ટન કાઉન્ટીના શેરિફ રયાન કેને જણાવ્યું કે, તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવો ભયાનક નજારો જોયો નથી. આપણા પાલતુ પ્રાણીઓ પણ આ બાળકો કરતાં વધુ સારી સ્થિતિમાં રહે છે.
જંગલી પ્રાણીઓ જેવી થઈ ગઈ હતી હાલત
ગંભીર કટોકટી વચ્ચે જીવી રહેલા ઘણા બાળકો સામાન્ય રીતે વાતચીત પણ કરી શકતા નહોતા. 18 વર્ષની એક માનસિક રીતે દિવ્યાંગ છોકરી પોતાનું નામ પણ લખી શકતી નહોતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, બાળકોની હાલત લગભગ જંગલી પ્રાણીઓ જેવી થઈ ગઈ હતી. બાળકોને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક 7 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 2 બાળકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડાયા હતા.
માતા-પિતા અને દાદા-દાદી બન્યા આરોપી
બાળકોને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવાના આરોપમાં ચારેય વયસ્કો સામે ચાઇલ્ડ એન્ડેન્જર્મેન્ટનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં તમામ બાળકોને ચાઇલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:
-
ગૅરી સાઇડર્સ જુનિયર
-
ગૅરી સાઇડર્સ સિનિયર
-
ક્રિસ્ટિના સાઇડર્સ
-
એલિઝાબેથ સાઇડર્સ
અદાલતે ચારેય આરોપીઓની જામીન રકમ 3 લાખ અમેરિકી ડોલર (પ્રતિ વ્યક્તિ) નક્કી કરી છે.
દુનિયાથી છુપાવીને રાખ્યા બાળકો
તપાસમાં સામે આવ્યું છે કે આ પરિવાર છેલ્લા 20 વર્ષથી દક્ષિણ ઓહાયોના અલગ-અલગ વિસ્તારોમાં રહેતો હતો. તેમણે જાણીજોઈને બાળકોના કોઈ મેડિકલ રેકોર્ડ કે સરકારી દસ્તાવેજો બનાવ્યા નહોતા, જેથી કોઈને તેમના વિશે ખબર ન પડે. જે ગામમાં આ ઘટના બની તેની વસ્તી 1000 થી પણ ઓછી છે. આ ઘર ઝાડીઓની પાછળ હોવાથી થોડું અલગ-અલગ હતું. પડોશીઓએ જણાવ્યું કે તેમણે ક્યારેય આ બાળકોને ઘરની બહાર રમતા જોયા નહોતા.
< /p>
