Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ED-CBIમાં સેટિંગના નામે કરોડોની ઠગાઈ: મહાઠગ પિયુષ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

ED-CBIમાં સેટિંગના નામે કરોડોની ઠગાઈ: મહાઠગ પિયુષ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

અમદાવાદમાં કેન્દ્રીય એજન્સીઓના નામે કરોડો રૂપિયા પડાવતી એક મોટી માછલી પોલીસના શિકારે ચડી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ED અને CBI જેવી તપાસ એજન્સીઓમાં સેટિંગ કરાવી આપવાના બહાને ઠગાઈ કરનાર મહાઠગ પિયુષકુમાર ઉર્ફે સુનિલ પટેલની ધરપકડ કરી છે.

આરોપી પિયુષ પટેલે કેન્દ્રીય એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે પોતાના મજબૂત સંપર્કો હોવાનો ખોટો દાવો કર્યો હતો. તેણે એક ફરિયાદીને ED દ્વારા જપ્ત કરાયેલા ₹11.90 કરોડ છોડાવી આપવાની લાલચ આપી હતી. આ કામના બદલામાં આરોપીએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹3.98 કરોડ પડાવી લીધા હતા અને બાદમાં ફોન બંધ કરી વિશ્વાસઘાત કર્યો હતો.

કાળા નાણાંને ધોળા કરવા બનાવ્યો બોગસ લોન કરાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઠગાઈથી મેળવેલા કરોડો રૂપિયાને સગેવગે કરવા માટે આરોપીએ ભારે ચાલાકી વાપરી હતી. તેણે કાયદાથી બચવા માટે અન્ય એક વ્યક્તિ સાથે ₹3.32 કરોડનો બોગસ લોન કરાર પણ તૈયાર કર્યો હતો.

વિદેશ ભાગી ગયો હતો ઠગ, OCI કાર્ડ પર ભારતમાં રહેતો હતો

  • વર્ષ 2021: કાયદાના સિકંજામાંથી બચવા માટે આરોપી પિયુષ પટેલ દેશ છોડીને ભાગી ગયો હતો. તે વનુઆતુ (Vanuatu) દેશમાં આશ્રય લઈ ત્યાંનું નાગરિકત્વ મેળવી ચૂક્યો હતો.

  • વર્ષ 2022: વિદેશી નાગરિક બન્યા બાદ તે OCI (Overseas Citizen of India) કાર્ડ ધારક તરીકે ફરી ભારતમાં આવ્યો હતો. અહીં રહીને તે સરકારી વિભાગોમાં અટકેલા કામો કઢાવી આપવાના નામે લોકોને શિકાર બનાવતો હતો.

ગુજરાતથી લઈને UP સુધી ફેલાયેલો છે ગુનાહિત ઈતિહાસ

પિયુષ પટેલનો ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ ખૂબ મોટો છે અને તે આંતરરાજ્ય ગુનાઓમાં સંડોવાયેલો છે:

  • વર્ષ 2020: મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો.

  • વર્ષ 2025: કડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો.

  • ઉત્તર પ્રદેશ કનેક્શન: ઉત્તર પ્રદેશના લખનઉ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ છેતરપિંડી, બોગસ દસ્તાવેજો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનો નોંધીને આ મહાઠગે અન્ય કેટલા લોકોને આ જ રીતે શીશામાં ઉતાર્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ્સ

યુનિવર્સિટીની મોટી બેદરકારી: B.Com સેમેસ્ટર-4 ની પરીક્ષામાં પૂછાયું જૂનું પેપર, વિદ્યાર્થીઓમાં ભારે રોષ

praxpatel

મહારાષ્ટ્રમાં ફરી મોટો ઉલટફેર: શરદ પવારની NCP અને NDA વચ્ચે કઈ મોટી ડીલની તૈયારી?

praxpatel

ગુજરાત યુનિવર્સિટીની દલા તરવાડી જેવો નિયમ,, 22 અધિકારીઓ લઇ રહ્યા છે હજારો રુપિયાનો લાભ !

ANIL PATEL