સાઉદી અરેબિયાના રાસ તનુરામાં રવિવારે એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો છે. સાઉદી અરામકો કંપનીનું એક હેલિકોપ્ટર અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
હેલિકોપ્ટર કયા સંજોગોમાં ક્રેશ થયું તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સાઉદી સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં જાન ગુમાવનારા તમામ ૧૪ લોકો સાઉદી અરેબિયાના જ નાગરિકો હતા. હાલમાં સત્તાવાળાઓ દ્વારા મૃતકો અથવા આ ઘટનાની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ શોધવા તપાસ શરૂ
આ ભયાનક અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે હાઈ-લેવલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતનું ચોક્કસ કારણ અત્યારે જણાવવું ઉતાવળ ગણાશે. તપાસ જેમ જેમ આગળ વધશે તેમ નવી માહિતી સામે આવશે તેવી આશા છે.
આ દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન પર સાઉદીના ઉર્જા મંત્રાલયે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મંત્રાલયે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ પીડિતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. સાઉદી પ્રેસ એજન્સી (SPA) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ઉર્જા મંત્રાલયે મૃતકોને શહીદોની યાદીમાં સામેલ કરવા ઈશ્વરને પ્રાર્થના કરી છે.
કઈ જગ્યાએ સર્જાયો આ અકસ્માત?
આ ભયાનક હેલિકોપ્ટર અકસ્માત રાસ તનુરા વિસ્તારમાં થયો હતો. રાસ તનુરા એ પશ્ચિમ એશિયા ક્ષેત્રની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી છે. આ સ્થળ સાઉદી અરામકો કંપનીના સૌથી મહત્વપૂર્ણ ઓપરેશનલ સેન્ટરોમાંથી એક માનવામાં આવે છે. આ શહેર વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલ્સ માટે આખી દુનિયામાં જાણીતું છે.
અરામકો કંપનીનું એવિએશન ઓપરેશન
સાઉદી અરામકો કંપની વર્ષ ૧૯૩૪થી પોતાના ઓપરેશન માટે વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. શરૂઆતમાં કંપનીએ માત્ર એક જ વિમાનથી એરિયલ મેપિંગની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૨૩માં તેના એવિએશન ડિવિઝનને એક અલગ પેટા કંપની (Subsidiary) બનાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેનું નામ બદલીને ‘અલૌલા એવિએશન’ (Aloula Aviation) રાખવામાં આવ્યું હતું.
આજે આ કંપની પાસે ૬૦થી વધુ વિમાનો અને હેલિકોપ્ટરનો મોટો કાફલો છે. આ કાફલો સમગ્ર સાઉદી અરેબિયામાં ઓફશોર ઓપરેશન, મેડિકલ ઇવેક્યુએશન (તબીબી સહાય) અને લોજિસ્ટિક્સ સેવાઓમાં મદદ પૂરી પાડે છે.
