તબીબી ક્ષેત્રે (Medical Field) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ એક નવો ઈતિહાસ રચ્યો છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવો સર્જિકલ રોબોટ તૈયાર કર્યો છે, જેણે માણસની મદદ વિના ડુક્કર ની સફળ સર્જરી કરી છે.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીને મળી મોટી સફળતા
આ અદ્ભુત સિદ્ધિ અમેરિકાના બાલ્ટિમોરમાં આવેલી પ્રસિદ્ધ જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ મેળવી છે. તેમણે વિકસાવેલી ખાસ AI સિસ્ટમે એક મૃત ડુક્કર ના શરીરમાંથી પિત્તાશય (Gallbladder) બહાર કાઢવાનું ઓપરેશન કર્યું હતું. આ રોબોટે સંપૂર્ણ સ્વાયત્તતા (Autonomy) એટલે કે પોતાની જાતે જ આખી સર્જરી પૂરી કરી હતી.
કેવી રીતે મળી રોબોટને ટ્રેનિંગ?
-
સંશોધકોએ આ રોબોટના AI મોડેલને તૈયાર કરવા માટે ખાસ મહેનત કરી છે.
-
રોબોટને માણસો દ્વારા કરવામાં આવેલી સર્જરીના ૧૭ કલાકના વાસ્તવિક વીડિયો ફૂટેજ બતાવવામાં આવ્યા હતા.
-
આ વીડિયો ટ્રેનિંગના આધારે રોબોટે લાઈવ વિઝ્યુઅલ ઈનપુટને સમજ્યું.
-
ત્યારબાદ તેણે ડુક્કરના શરીરમાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું.
૧૦૦ ટકા સફળતાનો રેટ
આ ઓપરેશન દરમિયાન રોબોટિક સિસ્ટમે અદ્ભુત કામગીરી કરી હતી. સર્જરી વખતે રોબોટે ‘બીજી નળીને ક્લિપ કરો’ જેવા જરૂરી મૌખિક આદેશો પણ આપ્યા હતા. રોબોટે ૧૭ અલગ-અલગ સર્જિકલ કાર્યો સાથેની ૮ પ્રક્રિયાઓ ૧૦૦ ટકા સફળતા સાથે પૂરી કરી હતી.
સૌથી મોટી વાત એ છે કે, આ રોબોટ ઓપરેશન દરમિયાન રીયલ ટાઈમમાં પોતાની ભૂલોને આપમેળે સુધારવાની ક્ષમતા પણ ધરાવે છે.
ભવિષ્યમાં શું થશે ફાયદો?
વૈજ્ઞાનિકોના મતે, આ પ્રયોગથી સર્જિકલ રોબોટ્સ હવે માત્ર ડૉક્ટરોના આદેશો પાળવા પૂરતા મર્યાદિત નહીં રહે. તેઓ પોતાની બુદ્ધિથી રીયલ ટાઈમ નિર્ણયો લઈ શકશે. આનાથી સર્જરી દરમિયાન થતી ભૂલો ઘટશે અને દર્દીઓની સુરક્ષા વધશે.
જો કે, જીવંત માણસો પર આવી સંપૂર્ણ સ્વાયત્ત રોબોટિક સર્જરી થવામાં હજી ઘણા વર્ષોનો સમય લાગી શકે છે. હાલમાં સંશોધકો હવે જીવંત પ્રાણીઓ પર આનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સંશોધનના પરિણામો પ્રખ્યાત ‘સાયન્સ રોબોટિક્સ’ જર્નલમાં પણ પ્રકાશિત થયા છે.
