છોટા ઉદેપુર જિલ્લામાં જળ સંચય ક્ષેત્રે એક મોટો ઇતિહાસ રચાયો છે. જિલ્લાના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પહેલો અને એકમાત્ર રબ્બર ડેમ (Rubber Dam) બનીને તૈયાર થઈ ગયો છે.
આ ડેમ પાછળ આશરે 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ આધુનિક ડેમ બનવાથી ચોમાસામાં વહી જતું પાણી રોકી શકાશે. જેનાથી આસપાસના 20 ગામોના ખેડૂતો અને નાગરિકોને પાણીની તકલીફમાંથી મુક્તિ મળશે.
જૂનો રજવાડી ડેમ તોડીને નવું નિર્માણ
હેરણ નદી કવાંટ, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા તાલુકામાંથી પસાર થાય છે. ચોમાસામાં આ નદીનું કરોડો લીટર પાણી વહીને નર્મદા નદીમાં ભળી જતું હતું.
પાણીનો આ બગાડ અટકાવવા સરકારે મોટો નિર્ણય લીધો હતો. રાજવાસણા પાસે આવેલો રજવાડી વખતનો જૂનો જર્જરીત ડેમ તોડી પડાયો હતો. તેના સ્થાને ‘યોઇલ એન્વીરોટેક’ એજન્સી દ્વારા આ નવો આધુનિક રબ્બર ડેમ બનાવવામાં આવ્યો છે.
જાણો રબ્બર ડેમની મુખ્ય વિશેષતાઓ
-
લંબાઈ અને ડિઝાઇન: આ અદભુત રબ્બર ડેમની લંબાઈ 220 મીટર છે. તેને 3 અલગ-અલગ સ્પાનમાં વહેંચવામાં આવ્યો છે.
-
દક્ષિણ કોરિયાની ટેકનોલોજી: ડેમની વોલ પર 60 મીટર લાંબા 3 રબ્બરના બ્લેન્ડર (ક્યૂબ) લગાવાયા છે. આ ખાસ મટીરિયલ દક્ષિણ કોરિયાથી મગાવાયું છે, જે ભારે પ્રવાહમાં પણ અડીખમ રહેશે.
-
ઝડપી ઓપરેશન: આ રબ્બર ડેમ સામાન્ય રીતે 20 મિનિટમાં જ પૂરેપૂરો ઓપરેટ થઈ શકે છે.
પૂર અને કાપની સ્થિતિમાં આપોઆપ બદલાશે હાઇટ
ચોમાસાની શરૂઆતમાં નદીમાં ઉપરવાસમાંથી ભારે કાપ, પથ્થરો અને લાકડાં તણાઈ આવે છે. આ સમયે રબ્બરને નુકસાન ન થાય તે માટે તેની હવા કાઢીને તેને ફ્લેટ (સપાટ) કરી દેવાશે.
કચરો વહી ગયા પછી, પાણી ચોખ્ખો થતાં જ ફરીથી રબ્બરમાં હવા ભરીને ડેમની ઊંચાઈ વધારી દેવાશે. આ વર્ષે ચોમાસામાં જ આ પ્રોજેક્ટ આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
