ભારતના ફૂટબોલ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોયા બાદ આખરે ફિફા (FIFA) વર્લ્ડ કપ 2026 માટે ભારતનો ઓફિશિયલ બ્રોડકાસ્ટર મળી ગયો છે. ઝી એન્ટરટેઈનમેન્ટે સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીએ આગામી ફિફા વર્લ્ડ કપ સહિત કુલ 39 ફિફા ઈવેન્ટ્સના મીડિયા રાઈટ્સ ખરીદી લીધા છે.
આ ડીલ હેઠળ ઝી ગ્રુપ વર્ષ 2026થી 2034 સુધી ભારતમાં તમામ મોટી ફિફા ટૂર્નામેન્ટનું પ્રસારણ કરશે.
-
ઝી (Zee) ગ્રુપે વર્ષ 2026થી 2034 સુધીના ફિફા ટૂર્નામેન્ટના મીડિયા રાઈટ્સ મેળવ્યા છે.
-
આગામી ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી 19 જુલાઈ દરમિયાન યોજાશે.
-
અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે આ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે.
-
ભારતમાં નવી સ્પોર્ટ્સ ચેનલ Unite8 Sports પર મેચો લાઈવ જોઈ શકાશે.
ભારતમાં આ ચેનલ અને એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ
ભારતમાં ફિફા વર્લ્ડ કપની મેચો ઝી ગ્રુપની તદ્દન નવી સ્પોર્ટ્સ ચેનલ Unite8 Sports પર લાઈવ બતાવવામાં આવશે. આ ઉપરાંત જે દર્શકો મોબાઈલ કે ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોવા માંગે છે, તેઓ Zee5 એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
લાઈવ મેચોની સાથે ફેન્સને આખી ટૂર્નામેન્ટ દરમિયાન મેચ હાઈલાઈટ્સ, એનાલિસિસ શો અને ફિફા ડોક્યુમેન્ટ્રી પણ જોવા મળશે.
ઝી ગ્રુપે આ વર્ષની શરૂઆતમાં ‘Unite8’ બ્રાન્ડ હેઠળ ચાર નવી સ્પોર્ટ્સ ચેનલો લોન્ચ કરવાની જાહેરાત કરી હતી:
-
Unite8 Sports 1 (હિન્દી)
-
Unite8 Sports 1 HD (હિન્દી)
-
Unite8 Sports 2 (અંગ્રેજી)
-
Unite8 Sports 2 HD (અંગ્રેજી)
બ્રોડકાસ્ટર મેળવવામાં કેમ થયો હતો વિલંબ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઈમ ઝોનના તફાવતને કારણે ભારતીય બ્રોડકાસ્ટર્સ આ રાઈટ્સ ખરીદવામાં ખચકાટ અનુભવતા હતા. અમેરિકા અને કેનેડામાં મેચો રમાવાની હોવાથી ભારતમાં તેનું લાઈવ પ્રસારણ મોડી રાત્રે શરૂ થશે. આ સિવાય ફિફા આ રાઈટ્સ માટે લગભગ 10 કરોડ યુએસ ડોલર (અંદાજે ₹830 કરોડથી વધુ)ની મોટી રકમની માંગણી કરી રહ્યું હતું. અંતે ઝી ગ્રુપે આ મોટી ડીલ ફાઇનલ કરી છે.
ફૂટબોલ ગેમ પર ઝીનો મોટો દાવ
ZEELના સીઈઓ (CEO) પુનિત ગોયન્કાએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, “અમે દુનિયાની સૌથી મોટી રમત ઈવેન્ટને ભારતીય દર્શકો સુધી લાવવા માટે ઉત્સાહિત છીએ. ભારતમાં છેલ્લા એક દાયકામાં ફૂટબોલ જોનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અમારું આ રોકાણ ભવિષ્યની ગ્રોથ ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.“
