રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં અત્યારે ઘઉંની નવી સિઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. હોળી બાદ બજારમાં તાજા પાકની આવક થતાં વેપારીઓમાં ઉત્સાહ અને ખરીદદારોમાં રસ બંને વધી ગયો છે. સાત દાયકાથી વેપાર કરી રહેલા અનુભવી વેપારીઓનું કહેવું છે કે આ સમયના ઘઉં સૌથી વધુ ગુણવત્તાવાળા અને લાંબા સમય સુધી સાચવી શકાય એવા હોય છે. સારી આવક, વિવિધ જાતો અને સ્થિર ભાવ વચ્ચે હવે લોકો વર્ષભર માટે ઘઉં ભરવાની તૈયારીમાં લાગી ગયા છે.
રાજકોટ: રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં અત્યારે ઘઉંની સિઝનનો રણકાર સંભળાઈ રહ્યો છે. બજારમાં નવી આવક શરૂ થઈ ગઈ છે અને વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે. દાણાપીઠમાં છેલ્લા સાત દાયકાથી વિશ્વાસ સાથે વ્યવસાય ચલાવતી ઓધવજી પરસોતમ રાજદેવ પેઢીના માલિક દિપેશ રાજદેવ જણાવે છે કે ઘઉંની નવી સિઝન ખેડૂતો અને વેપારીઓ બંને માટે મહત્વપૂર્ણ સમયગાળો છે. ખાસ કરીને હોળી પછી ઘઉં ભરવાનો સૌથી સારો સમય માનવામાં આવે છે, કારણ કે આ સમયે મળતો માલ ગુણવત્તાસભર અને લાંબા સમય સુધી ટકાઉ રહે છે.
દિપેશ રાજદેવ કહે છે કે તેમની પેઢી છેલ્લા 70 વર્ષથી દાણાપીઠમાં કાર્યરત છે અને વર્ષોનો અનુભવ બતાવે છે કે હોળી પછી ભરાયેલો ઘઉં આખું વર્ષ સારો રહે છે. આ સમયગાળા દરમિયાન આવતો ઘઉં સારી રીતે સૂકવાયેલો હોય છે, ભેજ ઓછો હોય છે અને સંગ્રહ માટે અનુકૂળ રહે છે. તેથી ઘરના વપરાશ માટે વર્ષભરનો જથ્થો ભરવા માંગતા લોકો માટે આ યોગ્ય સમય છે. અત્યારે બજારમાં ઘઉંની આવક પણ પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતોના ખેતરોમાંથી સીધો તાજો પાક બજારમાં આવી રહ્યો છે. માલની ઉપલબ્ધતા સારી હોવાથી ખરીદદારોને પસંદગી માટે અનેક વિકલ્પો મળી રહ્યા છે. સારા પાકના કારણે વેપારમાં ચેતન્યતા જોવા મળી રહી છે અને ખરીદી-વેચાણ બંને ગતિમાં છે.
ઘઉંની જાતોની વાત કરીએ તો અત્યારે બજારમાં અનેક પ્રકાર ઉપલબ્ધ છે. સોનેરી ટુકડા, લોકવન અને જે-24 જેવી જાતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ પસંદ કરવામાં આવે છે. દરેક જાતની પોતાની વિશેષતા હોય છે. કેટલીક જાત રોટલી માટે નરમ અનેC ગણાય છે તો કેટલીક જાત વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. ગ્રાહકો પોતાના વપરાશ અને પસંદગી મુજબ જાત પસંદ કરી શકે છે. ભાવની દૃષ્ટિએ અત્યારે ઘઉંનો દર આશરે 600 થી 900 રૂપિયા પ્રતિ મણ વચ્ચે બોલાઈ રહ્યો છે. ગુણવત્તા અને જાત મુજબ ભાવમાં થોડો ફરક જોવા મળે છે. પરંતુ આ વર્ષે પાક પુષ્કળ હોવાથી ભાવમાં મોટો વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે. પૂરતી આવક અને સારા ઉત્પાદનના કારણે બજાર સ્થિર રહે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે
