Gujarat Plus
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

ફેરનેસ ક્રીમથી કિડનીને ભારે નુકસાન, યુવતી ICUમાં દાખલ: ઇન્ફ્લુએન્સરની જાહેરાત જોઈને મંગાવેલી ક્રીમમાં નીકળ્યો ‘પારો’

ફેરનેસ ક્રીમથી કિડનીને ભારે નુકસાન, યુવતી ICUમાં દાખલ: ઇન્ફ્લુએન્સરની જાહેરાત જોઈને મંગાવેલી ક્રીમમાં નીકળ્યો 'પારો'

તિરુવનંતપુરમ: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની જાહેરાતો પર આંધળો વિશ્વાસ મૂકીને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો કેરળની એક યુવતી માટે જીવલેણ સાબિત થતાં રહી ગયો છે. ચહેરાને ગોરો અને ચમકદાર બનાવવાની લાલચમાં ૧૮ વર્ષીય યુવતીએ ઓનલાઇન મંગાવેલી ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરતાં તેની કિડનીને ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેને ICU માં દાખલ કરવી પડી હતી. લેબોરેટરી તપાસમાં આ ક્રીમમાં અત્યંત જોખમી માત્રામાં મરક્યૂરી (પારો) હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

એક વર્ષમાં ત્રણ બોટલ ક્રીમ વાપરી અને શરૂ થઈ ગંભીર આડઅસરો

કેરળના મલપ્પુરમ જિલ્લાના અરીકોડેની રહેવાસી ૧૮ વર્ષીય યુવતીએ એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર એક ઇન્ફ્લુએન્સરની જાહેરાત જોઈને ઓનલાઇન ફેસ ક્રીમ મંગાવી હતી. ઓગસ્ટ ૨૦૨૫થી તેણે ચહેરા પરના પિંપલ, ડાઘ દૂર કરવા અને ગોરા દેખાવા માટે આ ક્રીમ લગાવવાનું શરૂ કર્યું હતું અને એક વર્ષમાં ત્રણ બોટલ પૂરી કરી હતી.

છેલ્લા ત્રણ મહિનાથી યુવતીના શરીરમાં ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. અચાનક તેનું બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું, હાથ-પગમાં ધ્રુજારી અને સોજા આવવા લાગ્યા હતા. એક તબક્કે તે પોતાના પગ પર ઊભી પણ રહી શકતી ન હતી અને અચાનક બેભાન થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલના ICU માં દાખલ કરવી પડી હતી. યુવતીના જણાવ્યા મુજબ, તેની યાદશક્તિ પણ નબળી પડી ગઈ હતી અને પરીક્ષામાં વાંચેલું યાદ રહેતું ન હતું.

લેબ ટેસ્ટમાં ખુલાસો: ચામડી વાટે કિડની સુધી પહોંચ્યો ‘પારો’

હોસ્પિટલના ડોક્ટરોએ જ્યારે યુવતીને કોસ્મેટિક પ્રોડક્ટ્સના ઉપયોગ અંગે પૂછપરછ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુવતી જે ક્રીમ વાપરતી હતી તે હોસ્પિટલને આપવામાં આવી હતી અને સરકાર માન્ય લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું.

લેબ રિપોર્ટમાં સામે આવ્યું કે આ ક્રીમમાં ભયાનક માત્રામાં મરક્યૂરી એટલે કે પારો (Liquid Metal) રહેલો છે. આ ઝેરી ધાતુ ચામડી (Skin) ના માધ્યમથી લોહીમાં ભળીને કિડનીના ફિલ્ટરિંગ યુનિટ સુધી પહોંચી ગઈ હતી. તેની સીધી અસરથી કિડનીને નુકસાન થયું અને યુરિન વાટે શરીરમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન ઘટવા લાગ્યું હતું. યુવતીની હાલત ગંભીર બનતા હવે તેના પરિવારે આ જોખમી ક્રીમ પૂરી પાડનારી કંપની સામે કાયદેસરનો કેસ દાખલ કરવાની તૈયારી શરૂ કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

તારીખ પર તારીખ: જજ ૧૧ મહિનાથી નહોતા આપતા ચુકાદો, વકીલની ધીરજ ખૂટી અને કોર્ટરૂમમાં જ ખુરશી સળગાવી દીધી!

praxpatel

ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: કચ્છમાં મિની વાવાઝોડું અને અમદાવાદમાં ધૂળની ડમરીઓ, જાણો ક્યાં કેટલો વરસાદ?

praxpatel

માંડવી ધર્મપરિવર્તન વિવાદ: ‘વેરભાવથી ફસાવ્યા છે’, પાદરી પરિવારે હાઈકોર્ટમાં કરી અરજી

praxpatel