Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

પાટીલનું માન્યું નહીં, પંચાલને ગાંઠતા નથી: ગુજરાતના સહકાર ક્ષેત્રમાં ભાજપનો મેન્ડેટ બન્યો રદ્દી કાગળ,

પાટીલનું માન્યું નહીં, પંચાલને ગાંઠતા નથી: ગુજરાતના સહકાર ક્ષેત્રમાં ભાજપનો મેન્ડેટ બન્યો રદ્દી કાગળ,

ગુજરાતના સહકાર ક્ષેત્રમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીનો દબદબો ઓગળી રહ્યો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ડેરીઓ, એપીએમસી અને સહકારી બેંકોની ચૂંટણીઓમાં ગાંધીનગર ‘કમલમ’ ખાતેથી અપાતા સત્તાવાર પક્ષીય મેન્ડેટ હવે માત્ર રદ્દી કાગળ સમાન સાબિત થઈ રહ્યા છે. સહકાર ક્ષેત્રમાં રાજકીય પક્ષોના સીધા હસ્તક્ષેપ અને મેન્ડેટ આપવાની પ્રથા સામે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કદાવર સહકારી નેતાઓ જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી દ્વારા શરૂ કરાયેલી બળવાની ફોર્મ્યૂલા હવે સમગ્ર રાજ્યના સહકાર ક્ષેત્રમાં હીટ થઈ રહી છે અને પ્રદેશ નેતૃત્વના ધમપછાડા છતાં સ્થાનિક નેતાઓ ખુલ્લેઆમ બગાવત કરી રહ્યા છે.

અગાઉ તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સમયમાં પણ સ્થાનિક સહકારી આગેવાનોએ પક્ષના આદેશોની ઐસીતૈસી કરી હતી, અને હવે એ જ પરંપરાનું પુનરાવર્તન વર્તમાન પ્રદેશ નેતૃત્વ અને જગદીશ પંચાલ સામે પણ થઈ રહ્યું છે. આ સમગ્ર કટોકટીના મૂળમાં સહકારી માળખાની સ્વાયત્તતા અને વ્યક્તિગત વર્ચસ્વ રહેલું છે. જયેશ રાદડિયા હાલ ભલે રાજ્ય મંત્રીમંડળમાં ન હોય, પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન તરીકેનું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે તેમણે અગાઉ ભાજપના સત્તાવાર મેન્ડેટ સામે પોતાના અલગ ઉમેદવારો ઊભા રાખીને વિજય અપાવ્યો હતો. આ ઘટનાએ સાબિત કરી દીધું હતું કે સહકારી ક્ષેત્રમાં પાર્ટી લાઇન કરતાં વ્યક્તિગત નેટવર્ક અને સ્થાનિક ખેડૂત સમીકરણો વધુ શક્તિશાળી હોય છે, અને હવે રાજ્યભરના અન્ય નેતાઓ પણ આ જ માર્ગ અપનાવી રહ્યા છે.

આ આંતરિક અસંતોષનું સૌથી મોટું અને તાજું ઉદાહરણ ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં જોવા મળ્યું હતું. પ્રદેશ ભાજપના ટોચના આગેવાનોએ ડેરીની ચૂંટણીમાં સર્વસંમતિ સાધવા અને કમલમનો આદેશ મનાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું, તેમ છતાં સ્થાનિક જૂથો પક્ષ સમક્ષ નમતું જોખવા તૈયાર ન થયા. આખરે પક્ષની જાહેરમાં ભારે ફજેતી થતી રોકવા માટે સાબર ડેરીની સમગ્ર ચૂંટણી જ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ જે રીતે લોકસભા કે વિધાનસભા ચૂંટણીઓમાં દિલ્હી અને ગાંધીનગરથી નિર્ણયો થોપે છે, તે પદ્ધતિ સહકાર ક્ષેત્રમાં કારગત નીવડી શકતી નથી. અહીં પક્ષીય વિચારધારા કે વ્હીપ કરતાં જ્ઞાતિગત સમીકરણો, ખેડૂતોના લોકલ પ્રશ્નો અને વર્ષો જૂના અંગત સંબંધો વધુ નિર્ણાયક સાબિત થાય છે.

સહકાર ક્ષેત્રમાં ભાજપના મેન્ડેટનો અનાદર થયો હોય તેવી એક ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઈનામદારે ભાજપના મેન્ડેટ વિના પોતાના સમર્થકો સાથે ચૂંટણી લડીને સાવલી એપીએમસી પર કબજો જમાવ્યો હતો. બનાસકાંઠામાં ધારાસભ્ય માવજી પટેલે પણ બળવો કરીને પક્ષ સામે અલગ પેનલ ઊભી કરી હતી. ઈડર એપીએમસીમાં સ્થાનિક નેતાઓએ પક્ષના આદેશોના ધજાગરા ઉડાવ્યા હતા, જ્યારે ગોંડલ, જેતપુર અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના ગઢમાં પણ સ્થાનિક આગેવાનોએ સત્તાવાર પેનલ સામે પોતાના બળવાખોર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં પણ સહકારી સંસ્થાઓમાં આ જ સ્થિતિ પ્રવર્તી રહી છે. મઢી સુગર, ચલથાણ અને બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીઓમાં સ્થાનિક સભાસદો અને ડિરેક્ટરો પક્ષના મેન્ડેટને ફગાવીને સ્વતંત્ર રીતે ચૂંટણી લડીને વિજયી બન્યા હતા. ભરૂચની દૂધધારા ડેરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ પક્ષના સત્તાવાર સ્ટેન્ડ સામે જઈને બળવાખોર ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત સુરતની સુમુલ ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી વખતે તેમજ સુરત એપીએમસીની ચૂંટણીમાં પણ પક્ષીય આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હતું. બનાસ ડેરીની ચૂંટણીમાં પણ વરિષ્ઠ પૂર્વ સાંસદો અને નેતાઓએ મેન્ડેટ વિના જ ઝંપલાવ્યું હતું. પરિણામો સ્થાનિક બળવાખોરોની તરફેણમાં આવતાં પક્ષનું હાઈકમાન્ડ પણ લાચાર બનીને જોયા સિવાય કોઈ કડક શિસ્તભંગનાં પગલાં લઈ શકતું નથી.

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકા સાથે યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં ચૂંટણીની જાહેરાત, જાણો કઈ તારીખે થશે મતદાન?

praxpatel

રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો: ’10 વર્ષમાં 152 પેપર લીક થયા, પણ કોઈને સજા ન થઈ’

praxpatel

મોટી કાર્યવાહી: મુંબઈ-ગુજરાતમાં એકસાથે 20 સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ! દાઉદના ખાસ સલીમ ડોલા પર સકંજો

praxpatel