ઉત્તર આફ્રિકાના દેશ ઈજિપ્તમાં રવિવારે એક મોટો અને દર્દનાક રેલ અકસ્માત સર્જાયો છે. રાજધાની કૈરો નજીક બે પેસેન્જર ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા ૭ મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૦૦ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજિપ્તના પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ભયાનક દુર્ઘટના રાજધાની કૈરોથી આશરે ૫૨ કિલોમીટર દૂર આવેલા ગીઝા પ્રાંતના અલ-અય્યાત જિલ્લામાં બની હતી. દક્ષિણ-પશ્ચિમ ફયૂમ પ્રાંત તરફ જઈ રહેલી એક ટ્રેને દક્ષિણી પ્રાંત અસવાન તરફ જઈ રહેલી ટ્રેનને પાછળથી પૂરપાટ ઝડપે જોરદાર ટક્કર મારી દીધી હતી.
ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ જઈ રહેલી ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને મુસાફરોમાં ભારે નાસભાગ તથા ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં આરોગ્ય મંત્રાલય અને રેસ્ક્યુ ટીમો મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. રાહત અને બચાવ કાર્ય તાકીદે હાથ ધરીને તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાક ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટના અંગે ઊંડો આઘાત અને શોક વ્યક્ત કરતાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતહ અલ-સિસીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ અકસ્માત માટે જવાબદાર તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કરી દેવાયા છે. ઈજિપ્ત રેલ્વે ઓથોરિટી દ્વારા રેલવે ટ્રેક પરથી પલટી ગયેલા બોગીઓ અને કાટમાળને હટાવવા માટે વિશાળ ક્રેન તેમજ ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી આ મહત્વપૂર્ણ રેલવે લાઈન પર સામાન્ય ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અલ-અય્યાત જિલ્લામાં બે માલગાડીઓ સામસામે અથડાઈ જતાં ડ્રાઈવર અને સહાયક ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે રેલવે સુરક્ષા પ્રણાલીને લઈને ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.
