RSS Friends : અમેરિકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સંબંધિત વિચારો, સાચી વિગતો અને લોકસંપર્ક વધારવા માટે એક નવું સંગઠન સત્તાવાર રીતે કાર્યરત થયું છે. ‘આરએસએસ ફ્રેન્ડ્સ’ (RSS Friends) નામના જૂથે અમેરિકી ન્યાય વિભાગ (US Department of Justice) માં ‘ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ’ (FARA) હેઠળ પોતાની સત્તાવાર નોંધણી કરાવી છે.
આ જૂથે સ્પષ્ટ કર્યું છે કે તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે માહિતીપ્રદ, શૈક્ષણિક, પબ્લિક રિલેશન્સ (PR) અને સમુદાય સાથેના સંવાદ આધારિત રહેશે, જેથી સંસ્થા અંગે ફેલાયેલી અચોક્કસતાઓ અને ગેરમાન્યતાઓને સુધારી શકાય.
FARA રજિસ્ટ્રેશન અને મુખ્ય હેતુઓ એક નજરે
ગેરસમજો દૂર કરવા માટે સંવાદ વધારશે
FARA ફાઇલિંગમાં જણાવ્યા મુજબ, પાશ્ચાત્ય મીડિયા અને રાજકીય વર્તુળોમાં આરએસએસ વિશે વારંવાર અયોગ્ય સંદર્ભ કે પક્ષપાતી ચિત્રણ કરવામાં આવતું હોવાથી ભારતીય ડાયસ્પોરા અને હિન્દુ-અમેરિકન સમુદાય સામે ખોટી ધારણાઓ ઊભી થાય છે:
-
ખોટી માહિતીનું નિવારણ: પશ્ચિમી દેશોમાં સંસ્થાના વિચાર, સામાજિક સેવા કાર્યો અને રાષ્ટ્રનિર્માણના કાર્યો અંગે રહેલી અચોક્કસતાઓને દૂર કરવા સંગઠન પહેલ કરશે.
-
પત્રકારો અને સંશોધકો સાથે બેઠકો: આ જૂથ અમેરિકાના જાણીતા પત્રકારો, થિંક ટેન્ક્સ, સંશોધકો, શૈક્ષણિક સંસ્થાઓ અને સિવિલ સોસાયટી જૂથો સાથે સતત સંપર્કમાં રહીને તથ્યો આધારિત માહિતી પહોંચાડશે.
કાનૂની પારદર્શિતા સાથે કામગીરી
અમેરિકાના કાયદા મુજબ, જ્યારે કોઈ સંગઠન વિદેશની કોઈ સંસ્થાના સંદર્ભમાં લોબીંગ કે જાહેર અભિપ્રાયને સ્પર્શતી પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે FARA હેઠળ પારદર્શકતા માટે નોંધણી કરાવવી ફરજિયાત બને છે:
-
આ ફાઇલિંગમાં નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સત્તાવાર રીતે તેમના ‘વિદેશી મુખ્ય પક્ષ’ (Foreign Principal) તરીકે દર્શાવવામાં આવ્યો છે.
-
તાજેતરના સમયમાં અમેરિકામાં ભારતીય સમુદાયના વિવિધ કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યને રજૂ કરવાના પ્રયાસો વચ્ચે આ કાનૂની પહેલ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
