Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

AMC માં ફરી નિયમો નેવે મૂકાયા: ૧૮૦ પ્યૂન પૂરા પાડવા ₹૫ કરોડનું કામ ટેન્ડર વિના જ આપવાનો ખેલ; કરારપત્ર અને ડિપોઝિટમાંથી પણ મુક્તિ!

AMC
AMC : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં પારદર્શિતા અને નિયમોને બાજુ પર મૂકીને માનીતી એજન્સીઓ પર મહેરબાની કરવાનો વધુ એક મોટો કારસો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૮૦ પટ્ટાવાળા (પ્યૂન) ની સેવાઓ આઉટસોર્સિંગથી મેળવવા માટે કોઈ પણ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના સીધું રૂ. ૫ કરોડનું કામ ત્રણ ખાનગી એજન્સીઓને પધરાવી દેવાની તૈયારી કરી લેવામાં આવી છે.
આ ચોંકાવનારી બાબત એ છે કે, સંબંધિત એજન્સીઓને નિયમ મુજબ ભરવાના થતા કરારપત્ર અને સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવામાંથી પણ મુક્તિ આપવાની જોગવાઈ દરખાસ્તમાં રાખવામાં આવી છે. આ દરખાસ્ત બુધવારે મળનારી AMC ની સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ની બેઠકમાં સીધી મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી રહી છે.

૧૫ હજાર કર્મચારીઓ છતાં પટ્ટાવાળાની ઘટનું બહાનું

તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કરતી વિગતો:
  • કર્મચારીઓની મોટી ફોજ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ૧૫ હજારથી વધુ કાયમી અને અન્ય કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, છતાં વિવિધ ખાતાઓમાં પટ્ટાવાળાની તીવ્ર અછત હોવાનું કારણ આગળ ધરીને આઉટસોર્સિંગનો સહારો લેવાઈ રહ્યો છે.
  • ૬૦-૬૦ પટ્ટાવાળાની વહેંચણી: નવી દરખાસ્ત અનુસાર, આગામી એક વર્ષ માટે ૧૮૦ પટ્ટાવાળાની સેવા ત્રણ એજન્સીઓ પાસેથી લેવાશે, જેમાં પ્રત્યેક એજન્સી પાસેથી ૬૦-૬૦ પટ્ટાવાળા મેળવવાનું આયોજન છે. તેમાંથી દરેક એજન્સીના ૯ કર્મચારીઓ સેક્રેટરી ઓફિસમાં અને બાકીના ૫૧ કર્મચારીઓ અન્ય ખાતાઓમાં ફાળવવામાં આવશે.

ઓગસ્ટ ૨૦૨૫ ના જૂના ઠરાવના આધારે લ્હાણી

નવી ટેન્ડર પ્રક્રિયા ટાળવા માટે જૂના ઠરાવનો સહારો લેવામાં આવ્યો છે:
  • ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં થયેલા ઠરાવ મુજબ રૂ. ૬.૧૩ કરોડના ખર્ચે ૧૬૪ અને રૂ. ૧૬ કરોડના ખર્ચે ૨૮૮ પટ્ટાવાળા બે વર્ષ માટે મેળવવાની અગાઉની બે દરખાસ્તો મંજૂર કરાઈ હતી.
  • તે ગણતરી મુજબ પ્રત્યેક પટ્ટાવાળા પાછળ વાર્ષિક રૂ. ૨.૭૭ લાખ એટલે કે માસિક આશરે રૂ. ૨૩,૧૫૦ નો ખર્ચ મ્યુનિસિપલ તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે.
  • પગારમાં કટકીના આક્ષેપો: તંત્ર દ્વારા માસિક રૂ. ૨૩,૧૫૦ ચૂકવાતા હોવા છતાં ખરેખર પટ્ટાવાળાઓના હાથમાં માત્ર રૂ. ૧૨,૦૦૦ થી રૂ. ૧૫,૦૦૦ જેટલો નજીવો પગાર જ આવતો હોવાની ચર્ચા છે, જ્યારે બાકીની મોટી રકમ એજન્સીઓના ખિસ્સામાં જતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

કઈ ત્રણ એજન્સીઓને કામ સોંપાશે?

જૂના ઠરાવમાં નિર્ધારિત થયેલી નીચે મુજબની ત્રણ એજન્સીઓને જ આ કામ સોંપવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે:
  1. અલ્ટ્રામોર્ડન એજન્સી
  2. ક્લીન ઇન્ડિયા
  3. શાશ્વત સાફ્લ્ય પ્રા. લિ.
આ સેવાઓ પેટે વર્ક ઓર્ડર અને પગાર જે-તે સંબંધિત ખાતામાંથી ચૂકવાશે. નિયમોને નેવે મૂકીને, ડિપોઝિટ લીધા વગર જ કરોડો રૂપિયાનું આઉટસોર્સિંગ કામ આપવાની આ પેરવીને સ્થાયી સમિતિ મંજૂરી આપશે કે વિરોધ વંટોળ ઊભો થશે તેના પર સૌની નજર ટકેલી છે.

સંબંધિત પોસ્ટ્સ

નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી:નીતિશે કહ્યું- નવી સરકારને મારો સહયોગ રહેશે, JDU કાર્યાલયમાં તોડફોડ; તેજસ્વીએ કહ્યું- હાઇજેક કર્યા

Maheriya Nirali

ઈરાને મધદરિયે કેમિકલ ટેન્કર પર વરસાવી ગોળીઓ: 12 ભારતીય નાવિકોના જીવ તાળવે ચોંટ્યા, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

praxpatel

આધાર કાર્ડમાં નામ બદલવાના નિયમો બદલાયા: UIDAI દ્વારા નવી SOP લાગુ, જાણો કયા સુધારા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે

praxpatel