ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં નામ સુધારવા, અપડેટ કરવા તેમજ અટક બદલવા માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના નિયમોના સ્થાને નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. નવા નિયમો હેઠળ નામમાં થતાં તમામ ફેરફારોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
UIDAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અરજદાર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો (POI/POR), એફિડેવિટ અને સરકારી ગેઝેટ નોટિફિકેશનની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ નામ સુધારણાની અરજી મંજૂર કરવામાં આવશે.
૧. સામાન્ય સુધારો (Minor Name Change)
જો વ્યક્તિની મૂળ ઓળખમાં કોઈ મોટો ફેરફાર ન થતો હોય અને માત્ર નાનો સુધારો કરવાનો હોય, તો તેને માઇનોર નેમ ચેન્જ ગણવામાં આવશે:
-
આ કેટેગરીમાં શું સમાવેશ થાય છે: નામના શરૂઆતના અક્ષરો (Initials) ને પૂરા કરવા, મિડલ નેમ કે સરનેમ ઉમેરવી અથવા હટાવવી, નામના ક્રમમાં ફેરફાર કરવો (જેમ કે અટક આગળ કે પાછળ કરવી), અથવા સ્પેલિંગમાં સામાન્ય ભૂલ સુધારવી (જેમ કે ‘Ram’ નું ‘Rama’ કે ‘Somya’ નું ‘Saumya’ કરવું).
-
જરૂરી દસ્તાવેજ: આ પ્રકારના કિસ્સામાં ઓળખનો માન્ય પુરાવો એટલે કે Proof of Identity (PoI) જમા કરાવવો પડશે.
-
સગીરો માટે: ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો માટે હેડ ઓફ ફેમિલી (HoF) આધારિત અપડેટમાં સંબંધનો પુરાવો એટલે કે Proof of Relationship (PoR) માન્ય રહેશે.
૨. ડેટા એન્ટ્રી ઓપરેટરની ભૂલ માટે એફિડેવિટ
જો આધાર સેન્ટર પર કાર્ડ કઢાવતી વખતે ઓપરેટરની ટાઇપિંગ ભૂલના કારણે નામ ખોટું નોંધાઈ ગયું હોય, તો તેના માટે વિશેષ શપથપત્ર આપવું પડશે:
-
૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે: અરજદારે Annexure B એફિડેવિટ સાથે પોતાનો ઓળખ પુરાવો (PoI) અથવા સંબંધનો પુરાવો (PoR) રજૂ કરવો પડશે.
-
સગીર (Minor) અરજદારો માટે: માતા-પિતા કે વાલીએ Annexure C એફિડેવિટ ભરીને PoI અથવા PoR સાથે જમા કરાવવાનું રહેશે.
૩. લગ્ન કે છૂટાછેડા બાદ સરનેમ બદલવાના નિયમો
-
લગ્ન બાદ અથવા છૂટાછેડા પછી અટક (Surname) બદલવા માંગતી મહિલાઓ માટે Annexure D એફિડેવિટ અને માન્ય PoI આપવું ફરજિયાત છે.
-
આ એફિડેવિટમાં સ્પષ્ટતા કરવી પડશે કે સરનેમમાં ફેરફાર માત્ર લગ્ન કે છૂટાછેડાને કારણે થઈ રહ્યો છે અને તેનાથી વ્યક્તિની મૂળ ઓળખ બદલાતી નથી.
-
આ ઉપરાંત, જેન્ડર (જાતિ) બદલાવ બાદ નામ અપડેટ કરવા માટે પણ SOP માં અલગ જોગવાઈ કરાઈ છે, જેના માટે નિયત PoI આપવો પડશે.
૪. આ સુધારાઓ માટે કોઈ દસ્તાવેજ નહીં લાગે
UIDAI એ અમુક એવી સામાન્ય ભૂલો દર્શાવી છે જેના સુધારા માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં:
-
નામમાં ખોટી જગ્યાએ કેપિટલ લેટર્સ લખાઈ ગયા હોય તેને ઠીક કરવા માટે કોઈ પુરાવો આપવો પડશે નહીં (ઉદાહરણ તરીકે: ‘RaMesh’ ને સામાન્ય ફોન્ટમાં ‘Ramesh’ કરવું).
૫. આખું નામ બદલવા માટે સરકારી ગેઝેટ નોટિફિકેશન અનિવાર્ય (Major Name Change)
-
જો કોઈ વ્યક્તિ પોતાનું આખું નામ સંપૂર્ણપણે બદલવા માંગતી હોય, જેથી તેની જૂની ઓળખ બદલાઈ જતી હોય, તો તેને મેજર નેમ ચેન્જ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.
-
આવા મોટા ફેરફાર માટે અરજદારે ભારત સરકાર અથવા રાજ્ય સરકારનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન (Gazette Notification) અને સંબંધિત અસલ ઓળખ પુરાવા જમા કરાવવા ફરજિયાત રહેશે.
