Sabar Dairy : હિંમતનગર સ્થિત ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રના સૌથી મોટા મથક ગણાતી સાબર ડેરી તેમજ સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ માટે શુક્રવારે યોજાનારી ચૂંટણી આકસ્મિક રીતે છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. ચેરમેન પદને લઈને ડિરેક્ટરો વચ્ચે થયેલી આંતરિક જૂથબંધી, સંભવિત ક્રોસ વોટિંગ અને હોર્સ ટ્રેડિંગ (સોદાબાજી) ની આશંકાને પગલે પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી હાલ પૂરતી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ અણધાર્યા નિર્ણયથી ઉત્તર ગુજરાતના રાજકીય અને સહકારી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બંને સહકારી સંસ્થાઓમાં ચૂંટણીનો નવો કાર્યક્રમ હવે નવેસરથી જાહેર કરવામાં આવશે.
સાબર ડેરી અને બેંક ચૂંટણી વિવાદ એક નજરે
બળવાની એંધાણ અને હોર્સ ટ્રેડિંગની ચર્ચા
ચૂંટણી જાહેર થતાંની સાથે જ ચેરમેન પદ કબજે કરવા માટે પડદા પાછળ ભારે સોદાબાજી શરૂ થઈ ગઈ હતી:
-
પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકો સેન્સ લેવા માટે હિંમતનગર મોકલાયા હતા, જ્યાં ડિરેક્ટરો વચ્ચે તીવ્ર જૂથબંધી ખુલ્લી પડી ગઈ હતી.
-
વર્તમાન ચેરમેન શામળ પટેલ સામે ડિરેક્ટરોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી, જ્યારે બીજી તરફ મૂળ કોંગ્રેસી અને બાદમાં ભાજપમાં જોડાયેલા ડો. વિપુલ પટેલને ચેરમેન બનાવવા માટે મોટાભાગના ડિરેક્ટરો એકજૂથ થઈ ગયા હતા.
-
ડિરેક્ટરોને પોતાના પક્ષમાં રાખવા માટે કથિત રીતે રૂ. ૨ કરોડ સુધીની સોદાબાજી ચાલી રહી હોવાની અને ઇડર માર્કેટયાર્ડ જેવો બળવો થવાની શક્યતાઓ ઉચ્ચ સ્તરે પહોંચી હતી, જેના પગલે મોવડીમંડળ સ્તબ્ધ થઈ ગયું હતું.
ભરતીમાં લાખો રૂપિયાના ઉઘરાણા અને ભ્રષ્ટાચારના આક્ષેપો
ચૂંટણી ટાણે જ સાબર ડેરીના આંતરિક વહીવટના ગંભીર મુદ્દાઓ સપાટી પર આવ્યા હતા:
-
ડેરીમાં અગાઉ હંગામી ધોરણે નોકરીએ રખાયેલા ઉમેદવારોને કાયમી કરવાના નામે ઉમેદવાર દીઠ રૂ. ૨૫ થી ૩૦ લાખ રૂપિયા ખંખેરી લેવાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
-
ભરતીમાં લાખો રૂપિયાની કથિત ઉઘરાણી થયા બાદ પણ કાયમી નિમણૂંકો પેન્ડિંગ રખાઈ હોવાથી પોતાના કહ્યાગરા ડિરેક્ટરને ચેરમેન પદે બેસાડવા માટે ચોક્કસ જૂથ દ્વારા ગોઠવણ કરવામાં આવી રહી હતી.
ગાંધીનગરમાં ડિરેક્ટરોનો ઉધડો લેવાયો
સાબરકાંઠા સહકારી ક્ષેત્રમાં પક્ષની જૂથબંધી ચરમસીમાએ પહોંચતાં ૪ નવેમ્બરની રાત્રે તમામ ડિરેક્ટરોને તાકીદે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા:
-
અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીના નિવાસસ્થાને પ્રદેશ સંગઠન મહામંત્રી અને ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારીએ ડિરેક્ટરોની ગંભીર બેઠક યોજી હતી.
-
પક્ષના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે ડિરેક્ટરોના કાવા-દાવા અને જૂથવાદને કારણે પાર્ટીની છબી ખરડાઈ રહી છે.
-
નેતાગિરીએ સ્પષ્ટ તાકીદ કરી હતી કે પક્ષ જે પણ વ્યક્તિને મેન્ડેટ આપે, તમામ ડિરેક્ટરોએ સર્વસંમતિથી તે ચેરમેન-વાઈસ ચેરમેનનો સ્વીકાર કરવો પડશે.
જોકે, આંતરિક અસંતોષ શમ્યો ન હોવાનું જણાતાં ભાજપ સંગઠને કોઈ જોખમ ન લેતાં છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
