Rajkot : ઘંટેશ્વર વિસ્તારમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મિતાલીબેન કેસરિયાનું અઢી મહિનાની લાંબી સારવાર બાદ કરુણ મોત નીપજતાં સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મૃતક પરિણીતાના પરિવારને ન્યાય અપાવવા અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા.
કેવી રીતે સર્જાયો હતો જીવલેણ અકસ્માત?
આ કરુણ ઘટના ગત ૬ સપ્ટેમ્બરના રોજ ઘંટેશ્વર ખાતે એસ.આર.પી. કેમ્પ નજીક ગ્રીન લીફ ગાર્ડનના દરવાજા પાસે આવેલા ડી.પી. રોડ પર બની હતી. રોડની બાજુમાં આવેલી ભૂગર્ભ ગટરની કોંક્રિટની કુંડી રસ્તાની સપાટીથી અત્યંત ઊંચી હોવાથી મિતાલીબેનનું ટુ-વ્હીલર તેની સાથે ધડાકાભેર અથડાયું હતું.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રાત્રિના સમયે આ માર્ગ પર પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નહોતી તેમજ જોખમી કુંડી પાસે કોઈ ચેતવણી બોર્ડ કે આડશ પણ મૂકવામાં આવી નહોતી. આ અકસ્માતમાં મિતાલીબેનને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને અઢી મહિના સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ તેમનું મોત થતાં તેમના માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે.
ત્રિકોણબાગથી મનપા કચેરી સુધી રેલી, માસૂમ બાળકના હસ્તે આવેદનપત્ર
તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવવા રઘુવંશી સમાજ દ્વારા શહેરના ત્રિકોણબાગથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં મૃતક મિતાલીબેનના માસૂમ બાળકના હસ્તે નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સમાજે જવાબદાર અધિકારીઓ, સુપરવિઝન કરતા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પવન કન્સ્ટ્રક્શન સહિત બે એજન્સીને ખુલાસો માંગતી નોટિસ ફટકારાઈ
બીજી તરફ, મહાનગરપાલિકાની પ્રાથમિક તપાસમાં આ કામગીરીમાં ગંભીર ક્ષતિ હોવાનું સામે આવતા પવન કન્સ્ટ્રક્શન અને એસ.આર.ડી. (SRD) એજન્સીની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મનપા તંત્ર દ્વારા બંને એજન્સીઓને દસ્તાવેજી પુરાવા સાથે લેખિત ખુલાસો રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી છે. નાયબ કમિશનર ચેતન નંદાણીએ સમાજના આગેવાનોને ખાતરી આપી હતી કે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરીને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.
