Gujarat Plus
ગુજરાત

કચેરીઓના ધક્કા બંધ: ગુજરાતમાં પ્લોટ ખરીદતા પહેલાં જ ઘરેબેઠાં જાણી શકાશે TP સ્કીમ, ઝોન અને નવા રસ્તાની વિગતો; સરકાર શરૂ કરશે ખાસ ‘વેબ જીઆઈએસ પોર્ટલ’

Gujarat

Gujarat : જરાતમાં જમીન કે પ્લોટ ખરીદનારા નાગરિકોને હવે તેની વાસ્તવિક સ્થિતિ અને ભવિષ્યના વિકાસ આયોજનની માહિતી મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. રાજ્ય સરકાર નાગરિકોને જમીન અને મિલકત સંબંધિત તમામ વિગતો ઘરેબેઠાં મળી રહે તે માટે એક ખાસ ‘વેબ જીઆઈએસ પોર્ટલ’ (Web GIS Portal) શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ પોર્ટલના માધ્યમથી પ્લોટ કયા ઝોનમાં આવે છે, તેના પર કઈ નગરરચના યોજના (TP સ્કીમ) લાગુ પડે છે અને નજીકમાંથી કયો નવો રસ્તો પસાર થવાનો છે તેની સચોટ માહિતી એક જ ક્લિક પર મેળવી શકાશે.

તમામ જિલ્લાઓમાં લાગુ થશે વ્યવસ્થા, AUDA સહિતના સત્તામંડળો પાસેથી મંગાવાયા સૂચનો

રાજ્ય સરકાર દ્વારા આ ડિજિટલ વ્યવસ્થા ગુજરાતના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટને અસરકારક બનાવવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) સહિત રાજ્યના તમામ સંબંધિત શહેરી અને વિસ્તાર વિકાસ સત્તામંડળો પાસેથી જરૂરી સૂચનો મંગાવવામાં આવ્યાં છે.

૩ તબક્કામાં પૂર્ણ થશે પોર્ટલ તૈયાર કરવાની કામગીરી

રાજ્ય સરકાર દ્વારા આ વેબ જીઆઈએસ પોર્ટલ તૈયાર કરવાની કામગીરીને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે:

  1. પ્રથમ તબક્કો (૩ મહિના): શરૂઆતના ત્રણ મહિનામાં પ્રાથમિક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. તેમાં રાજ્યનાં તમામ સંબંધિત સત્તામંડળોની યાદી સામેલ કરીને અધિકારીઓ અને કર્મચારીઓને સિસ્ટમ સંચાલનની તાલીમ આપવામાં આવશે.

  2. બીજો તબક્કો (૬ મહિના): આગામી છ મહિના દરમિયાન પોર્ટલને પ્રાયોગિક ધોરણે (Pilot Run) શરૂ કરવામાં આવશે, જેથી ટેકનિકલ ખામીઓ દૂર કરીને જરૂરી સુધારા-વધારા કરી શકાય.

  3. ત્રીજો તબક્કો (૩ મહિના): અંતિમ તબક્કામાં ત્રણ મહિનાની અંદર નગરરચના યોજના (TP સ્કીમ) ના આંકડાઓ અને નકશાઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરીને તેને નાગરિકો માટે સંપૂર્ણપણે ખુલ્લું મૂકવાની યોજના છે.

જમીન સંબંધિત છેતરપિંડી અટકાવવામાં મળશે મોટી મદદ

આ પોર્ટલ કાર્યરત થયા બાદ નાગરિકો કોઈ પણ પ્લોટ કે મિલકત ખરીદતાં પહેલાં જ તેની આસપાસના વિકાસ આયોજનની સંપૂર્ણ વિગતો જાણી શકશે. જમીન રહેણાંક, વાણિજ્યિક કે ઔદ્યોગિક ઝોનમાં આવે છે કે કેમ, તેમજ ભવિષ્યમાં ત્યાંથી કોઈ રસ્તો કે અન્ય સરકારી વિકાસકાર્ય પસાર થવાનું છે કે કેમ તેની સ્પષ્ટ જાણકારી મળી રહેશે. આનાથી મિલકત ખરીદનારાઓને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે અને અધૂરી માહિતીના અભાવે થતી જમીન સંબંધિત છેતરપિંડીની શક્યતાઓ ઘટાડવામાં પણ આ પોર્ટલ અત્યંત ઉપયોગી સાબિત થશે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરમાં મામેરું ભરાયું, ભગવાન પ્રેમ દરવાજા તરફ રવાના

praxpatel

૨ વર્ષ પહેલાં જ નિર્મિત રાજકોટના ગોંડલ ચોકડી ઓવરબ્રિજમાં મોટી તિરાડ અને ગાબડાં પડતાં નબળી ગુણવત્તાની પોલ ખુલી, તંત્ર સામે રોષ

praxpatel

વલસાડમાં જળપ્રલય: વરસાદનો 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 43 ઇંચ વરસાદથી ઉમરગામ ડૂબ્યું

praxpatel