Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

રૂ.11નો IV સેટ રૂ.325માં! ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલ પર સરકારની મોટી તપાસ

ખાનગી હોસ્પિટલ, મેડિકલ બિલ, IV સેટ, મેડિકલ સામાન, હોસ્પિટલ ખર્ચ, દવાઓ, દર્દીઓ, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર, હોસ્પિટલ બિલિંગ, કન્ઝ્યુમેબલ્સ, હેલ્થકેર, Medical Bill, Private Hospital, IV Set

મહારાષ્ટ્રની ખાનગી હોસ્પિટલોમાં મેડિકલ સામાન અને દવાઓના ભાવને લઈને સામે આવેલા ચોંકાવનારા કિસ્સાઓ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. હોસ્પિટલોમાં ઓછા ભાવે ખરીદવામાં આવતા મેડિકલ સામાન દર્દીઓને અનેકગણી વધુ કિંમતે આપવામાં આવતો હોવાની ફરિયાદો સામે આવી છે. એક કિસ્સામાં માત્ર રૂ.11માં ખરીદવામાં આવેલો IV સેટ દર્દીના બિલમાં રૂ.325નો દર્શાવવામાં આવ્યો હતો. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે ખાનગી હોસ્પિટલોમાં દવાઓ, મેડિકલ સામાન અને અન્ય કન્ઝ્યુમેબલ્સની ખરીદી તથા દર્દીઓના બિલિંગની વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે.

રૂ.11નો IV સેટ રૂ.325માં, કેથેટર-સિરિંજના ભાવમાં પણ મોટો તફાવત

મહારાષ્ટ્રની કેટલીક હોસ્પિટલોના ખરીદી અને બિલિંગ દસ્તાવેજોની તપાસ દરમિયાન ખરીદ કિંમત અને દર્દીઓ પાસેથી વસૂલવામાં આવેલી રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. એક હોસ્પિટલમાં અંદાજે રૂ.11માં ખરીદાયેલા IV સેટ માટે દર્દી પાસેથી રૂ.325 વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ.29માં ખરીદાયેલા કેથેટર માટે રૂ.310 અને માત્ર રૂ.7ની સિરિંજ માટે રૂ.57 વસૂલવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં રૂ.40થી રૂ.45માં ખરીદવામાં આવેલા નેબ્યુલાઈઝર અને ઓક્સિજન માસ્ક માટે દર્દીઓના બિલમાં રૂ.650થી રૂ.715 સુધીની રકમ દર્શાવવામાં આવી હતી.

હોસ્પિટલની ખરીદ કિંમત અને દર્દીના બિલની રકમ પર નજર

સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતર મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે હોસ્પિટલોમાં મેડિકલ સામાન અને અન્ય જરૂરી વસ્તુઓ કઈ કિંમતે ખરીદવામાં આવે છે અને દર્દીઓ પાસેથી તેના બદલામાં કેટલી રકમ વસૂલવામાં આવે છે તેની સમીક્ષા કરી રહી છે. સરકારનું ધ્યાન માત્ર ઉત્પાદન પર દર્શાવવામાં આવેલી MRP સુધી મર્યાદિત નથી. હોસ્પિટલને મળતી વાસ્તવિક ખરીદ કિંમત અને દર્દીના બિલ વચ્ચે કેટલો તફાવત છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમીક્ષાના પરિણામોના આધારે આગળની જરૂરી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

સારવાર દરમિયાન દર્દીઓની મજબૂરીનો ફાયદો લેવાય છે?

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સારવાર દરમિયાન IV સેટ, સિરિંજ, કેથેટર, ઓક્સિજન માસ્ક સહિત અનેક પ્રકારના કન્ઝ્યુમેબલ્સની જરૂરિયાત રહે છે. આવી પરિસ્થિતિમાં દર્દી અથવા તેના પરિવાર માટે બહારથી આ સામાન ખરીદવો કે અલગ-અલગ જગ્યાએ તેની કિંમતની તપાસ કરવી ઘણી વખત મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં જો હોસ્પિટલની ખરીદ કિંમત અને દર્દીના બિલની રકમ વચ્ચે મોટો તફાવત હોય તો સારવારનો કુલ ખર્ચ નોંધપાત્ર રીતે વધી શકે છે. દવાઓ માટે હોસ્પિટલની પોતાની ફાર્મસી પર રહેતી નિર્ભરતા પણ દર્દીઓના ખર્ચને અસર કરતું મહત્વનું પરિબળ બની શકે છે.

મહારાષ્ટ્ર બાદ હવે દેશભરની ખાનગી હોસ્પિટલોમાં સમીક્ષા

મહારાષ્ટ્રમાં મેડિકલ સામાનની કિંમતોમાં આવા મોટા તફાવતના કિસ્સાઓ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે દેશભરની ખાનગી હોસ્પિટલોમાં દવાઓ, મેડિકલ સામાન અને કન્ઝ્યુમેબલ્સની ખરીદી તથા દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી રકમની સમીક્ષા શરૂ કરી છે. સરકાર આ સમગ્ર પ્રક્રિયા દ્વારા હોસ્પિટલોમાં સામાનની ખરીદી અને દર્દીઓને કરવામાં આવતા બિલિંગ વચ્ચે કેટલું ભાવ અંતર છે તેનું આકલન કરી રહી છે. સમીક્ષાના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

Deodar Taluka Panchayat: દિયોદરમાં ચૂંટણી અધિકારી ગાયબ, બીજી વખત ચૂંટણી રદ થતાં ભારે હોબાળો

praxpatel

શું પરત ફરશે ઈમરાન હાશમીનો જૂનો દોર? 19 વર્ષ બાદ રિલીઝ થઈ રહી છે ‘આવારાપન 2’

praxpatel

પ્રતિક યાદવના શંકાસ્પદ મૃત્યુને હત્યા ગણાવીને અને સ્વતંત્ર તપાસની માંગણી કરતી NHRCમાં ફરિયાદ દાખલ

praxpatel