ચેન્નઈ: તમિલનાડુમાં પ્રસિદ્ધ કાર્તિગઈ દીપમ (Karthigai Deepam) ઉત્સવ દરમિયાન પવિત્ર દીપ પ્રગટાવવાના સ્થળને લઈને રાજકીય અને ધાર્મિક વિવાદ વધુ ઘેરો બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે આ મુદ્દે TVK ના નેતૃત્વ હેઠળની મુખ્યમંત્રી વિજયની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મદુરાઈ જિલ્લા વહીવટીતંત્રે સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશની અવહેલના કરીને તિરુપરનકુંદ્રમ સ્થિત ઐતિહાસિક દીપથૂન પથ્થરના સ્તંભને બદલે ઉચ્ચિપિલ્લૈયાર મંડપમમાં દીપ પ્રગટાવ્યો છે.
ગઠબંધન સાથીઓને ખુશ કરવા શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડી: BL સંતોષ
બીએલ સંતોષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ચેતવણી આપી હતી કે મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની સરકારને આ મામલે સભ્યતાગત અને કાનૂની, એમ બંને પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે. તેમણે લખ્યું કે, “તમિલનાડુ સરકારનો હિસ્સો એવા મદુરાઈના જિલ્લા મેજિસ્ટ્રેટે સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરી અને દીપથૂન પથ્થરના સ્તંભ પર દીપ પ્રગટાવવાના નિર્દેશને બદલે ઉચ્ચિપિલ્લૈયાર મંડપમમાં કાર્તિગઈ દીપમ પ્રગટાવ્યો.”
બીજેપી નેતાએ વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારે પોતાના કેટલાક રાજકીય ગઠબંધન સાથીઓને ખુશ કરવા માટે દીપથૂન પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપી નથી અને કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડીને તેમને નિરાશ કર્યા છે.
તમિલનાડુના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત
દીપથૂન સ્તંભ પર દીપ ન પ્રગટાવવાના વિરોધમાં તમિલનાડુના વિવિધ ભાગોમાં હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાની માંગ કરી હતી. રામનાથપુરમમાં હિન્દુ ફ્રન્ટના સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામ કર્યો હતો, જ્યાં કેનિકરાઈ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
તેવી જ રીતે, પોલ્લાચીમાં મહા કાર્તિગઈ દીપમ ઉત્સવ નિમિત્તે હિન્દુ મુન્નાનીના કાર્યકરોએ શહેરના મધ્ય વિસ્તારમાં રસ્તો રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓના જણાવ્યા મુજબ હિન્દુ મુન્નાની, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા એક વર્ષથી અદાલતના આદેશના અમલ માટે આંદોલન ચલાવી રહ્યા છે. પોલ્લાચીમાં તણાવ વધતા પોલીસે સ્થળ પર પહોંચીને પ્રદર્શનકારીઓને હટાવી તેમની ધરપકડ કરી હતી.
