ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ, સચિવાલય તેમજ રાજ્યભરની તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં અઠવાડિયાના પ્રથમ બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારે અધિકારીઓ કોઈ પણ પ્રકારની મીટિંગો કે કાર્યક્રમો યોજી શકશે નહીં. રાજ્ય સરકાર દ્વારા આ અંગે કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ બંને દિવસો સંપૂર્ણપણે સામાન્ય નાગરિકો, અરજદારો અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ (ધારાસભ્યો/સાંસદો) ની રજૂઆતો રૂબરૂ સાંભળવા તથા પ્રજાના પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અનામત રાખવાના રહેશે.
‘સાહેબ મીટિંગમાં છે’ના બહાના સામે પગલું
લાંબા સમયથી રાજ્યના દૂર-દૂરના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી ગાંધીનગર સચિવાલય કે જિલ્લા કલેક્ટર કચેરીઓએ આવતા સામાન્ય અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી:
-
ખોટા ધક્કા: સોમવાર અને મંગળવાર પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે નિયત થયેલા હોવા છતાં, અરજદારો કચેરીએ પહોંચે ત્યારે નીચેના સ્ટાફ તરફથી ‘સાહેબ મીટિંગમાં છે’ અથવા ‘સાહેબ વીડિયો કોન્ફરન્સમાં વ્યસ્ત છે’ તેવો તૈયાર જવાબ આપી દેવાતો હતો.
-
ધારાસભ્યોને પણ ધરમધક્કો: સામાન્ય જનતા તો ઠીક, પરંતુ મતવિસ્તારના કામો લઈને આવતા ખુદ ધારાસભ્યો અને અગ્રણીઓને પણ સરકારી બાબુઓ સમય આપતા નહોતા અને કલાકો રાહ જોવડાવ્યા બાદ નિરાશ થઈને પરત ફરવું પડતું હતું.
નવો પરિપત્ર ખરેખર અમલી બનશે કે માત્ર કાગળ પર રહેશે?
સરકારના આ નવા પરિપત્ર બાદ સચિવાલયના વર્તુળો અને સામાન્ય જનતામાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું આ વખતે અધિકારીઓ નિયમનું પાલન કરશે?
-
અગાઉના પરિપત્રોની નિષ્ફળતા: આ અગાઉ પણ તત્કાલીન સરકારો દ્વારા સોમ-મંગળ મીટિંગો ન રાખવા અંગે આવા અનેક પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો બાદ સ્થિતિ પુનઃ ‘જેસે થે’ થઈ જતી હતી.
-
જવાબદેહીનો અભાવ: પરિપત્રનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે કોઈ દંડાત્મક પગલાં ન લેવાતા હોવાથી વહીવટી તંત્રના આ વલણ સામે પ્રજાનો સરકારી સર્ક્યુલર પરથી ભરોસો ઊઠી રહ્યો છે.
હવે જોવાનું એ રહેશે કે સામાન્ય પ્રજાના હિતમાં જારી કરાયેલા આ આદેશનું કડકાઈથી પાલન કરાવવા સરકાર મોનિટરિંગની કોઈ ખાસ વ્યવસ્થા ગોઠવે છે કે નહીં.
