CID : રાજ્યમાં નકલી રાજકીય પક્ષોની આડમાં આચરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કરચોરીના મસમોટા કૌભાંડનો ગુજરાત સીઆઈડી (CID Crime) એ પર્દાફાશ કર્યો છે. બોગસ રાજકીય દાન (Political Donations) દર્શાવીને આવકવેરામાં ગેરકાયદેસર છૂટ મેળવવાના રેકેટમાં સીઆઈડી દ્વારા ત્રણ રાજકીય પક્ષો સામે સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ દરમિયાન આચરેલા આ આર્થિક કૌભાંડને પગલે સરકારી તિજોરીને અંદાજે ₹૩૧૪ કરોડનું જંગી નુકસાન થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કયા ત્રણ રાજકીય પક્ષો સામે નોંધાયો ગુનો?
આવકવેરા વિભાગ (IT Department) ના ઇનપુટ્સ અને ફરિયાદના આધારે સીઆઈડી દ્વારા નીચે મુજબના પક્ષો, તેમના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સામે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે:
-
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી (SAP – આણંદ): આ પક્ષ અને તેના પદાધિકારીઓ પર સૌથી મોટો એટલે કે ₹૫૧૯ કરોડના બોગસ ચંદા બતાવીને સરકારને ₹૧૫૫ કરોડની કરચોરી પહોંચાડવાનો ગંભીર આરોપ છે.
-
સત્યવાદી રક્ષક પાર્ટી (SRP – અમદાવાદ): આ પક્ષના ૩ મુખ્ય હોદ્દેદારો તેમજ એક કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA) સામે કુલ ₹૧૨૪.૫ કરોડની કરચોરી આચરવા બદલ કેસ દાખલ કરાયો છે.
-
ગરીબ કલ્યાણ પાર્ટી (GKP – અમદાવાદ): આ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અને મહામંત્રી સહિત ૯ હોદ્દેદારો તથા કૌભાંડમાં મદદગારી કરનારા ૩ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સામે ₹૬૨ કરોડની નાણાકીય ગેરરીતિ નો ગુનો નોંધાયો છે.
કમિશન કમાવવાનો ખેલ: કેવી રીતે આચરવામાં આવતું કૌભાંડ?
તપાસમાં ખુલેલી વિગતો મુજબ, આરોપીઓએ કોઈ જનકલ્યાણ કે રાજકીય ગતિવિધિ માટે નહીં પરંતુ માત્ર કરદાતાઓ પાસેથી ઊંચું કમિશન કમાવવાના હેતુથી જ આ પક્ષોની રચના કરી હતી:
-
બોગસ ડોનેશન અને TDS રસીદ: કરદાતાઓ (Taxpayers) પાસેથી બેંક મારફતે ચંદો સ્વીકારવામાં આવતો હતો અને આવકવેરા કાયદા હેઠળ 100% કરમુક્તિ મેળવવા માટે તેમને અધિકૃત રસીદો આપવામાં આવતી હતી.
-
રોકડમાં નાણાં પરત: પક્ષના સંચાલકો પોતાનું નક્કી કરેલું ૨ થી ૫ ટકા જેટલું કમિશન કાપીને બાકીના લાખો-કરોડો રૂપિયા સંબંધિત કરદાતાઓને રોકડેથી પરત ચૂકવી આપતા હતા.
-
ચૂંટણી પંચ સમક્ષ ખોટા અહેવાલો: આ સમગ્ર ગેરકાયદે નાણાકીય લેવડદેવડ છુપાવવા માટે ભારતના ચૂંટણી પંચ (ECI) સમક્ષ પણ ઓડિટેડ બેલેન્સશીટ અને વાર્ષિક હિસાબોમાં બનાવટી આંકડા રજૂ કરવામાં આવતા હતા.
હાલ સીઆઈડી દ્વારા આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય વચેટિયાઓ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને લાભ મેળવનારા મોટા કરદાતાઓ સુધી પહોંચવા માટે સઘન દરોડા અને કાગળોની ફોરેન્સિક ચકાસણી તેજ કરવામાં આવી છે.
