Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગોંડલ : કાર અને એક્ટિવા વચ્ચે ભીષણ ટક્કરમાં પતિ-પત્ની અને ૧૩ વર્ષના પુત્ર સહિત એક જ પરિવારના ૩ સભ્યોના મોત

ગોંડલ : કાર અને એક્ટિવા વચ્ચે ભીષણ ટક્કરમાં પતિ-પત્ની અને ૧૩ વર્ષના પુત્ર સહિત એક જ પરિવારના ૩ સભ્યોના મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં રવિવારે એક કાળજુ કંપાવી દેનારો ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે ટાટા નેક્સન કાર અને એક્ટિવા વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં એક્ટિવા સવાર એક જ પરિવારના પતિ, પત્ની અને તેમના ૧૩ વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ કરુણ દુર્ઘટનાના પગલે મૃતકોના વતન અનિડા ભાલોડી ગામ સહિત સમગ્ર ગોંડલ પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી વિગતો અનુસાર, અનિડા ભાલોડી ગામના જયેશ કરશનભાઈ બગડા (ઉં.વ. ૪૦) પોતાના પત્ની શાંતુબેન (ઉં.વ. ૩૬) અને ૧૩ વર્ષના પુત્ર વ્રજ સાથે એક્ટિવા (GJ 03 LS 5971) પર સવાર થઈને રામોદ તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન ઘોઘાવદર-રામોદ માર્ગ પર સામેથી આવી રહેલી ટાટા નેક્સન કાર (GJ 23 CF 0472) સાથે તેમની એક્ટિવાની અત્યંત ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા સવાર ત્રણેય સભ્યો હવામાં ફંગોળાઈને ડામરના રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે ત્રણેયે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

સાળંગપુરથી પરત ફરી રહેલી કાર મહિલા ચલાવતી હતી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે:

  • અકસ્માતગ્રસ્ત ટાટા નેક્સન કાર એક મહિલા ચલાવી રહી હતી.

  • કારમાં સવાર લોકો સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કર્યા બાદ ગોંડલ સ્થિત અક્ષર મંદિર તરફ દર્શનાર્થે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

શ્રમિક પરિવાર પર તૂટી પડ્યો આભ: ૧૩ વર્ષના પુત્રનો જીવ ગયો

મૃતક જયેશભાઈ બગડા સેન્ટિંગ કામ અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનો ૧૩ વર્ષીય પુત્ર વ્રજ ગોંડલની ઓરો સ્કૂલમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતો હતો. એક જ ઝાટકે પરિવારના આધારસ્તંભ સમાન માતા-પિતા અને એકના એક પુત્રનું મોત થતાં કુટુંબ નોંધારું બની ગયું છે.

૩ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહો પીએમ અર્થે ખસેડાયા, પોલીસે ગુનો નોંધ્યો

  • સ્થાનિકોની મદદ: બનાવ બનતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

  • હોસ્પિટલ ખસેડાયા: તાત્કાલિક ૧૦૮ ને જાણ કરાતાં ગોંડલથી બે અને કોટડા સાંગાણીથી એક મળી કુલ ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

  • પોલીસ તપાસ: ગોંડલ તાલુકા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી બંને વાહનો કબજે કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના વતન અનિડા ભાલોડી ખાતે અંતિમવિધિ માટે સોંપવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

મહારાષ્ટ્રમાં ફરી મોટો ઉલટફેર: શરદ પવારની NCP અને NDA વચ્ચે કઈ મોટી ડીલની તૈયારી?

praxpatel

અહીં શિવજી ‘બ્રહ્મહત્યા’ના પાપથી થયા મુક્ત: રુદ્રકુંડમાં સ્નાન કરવાથી મટે છે ચામડીના રોગ; જાણો સજોદના સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસ

praxpatel

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો

aminparmar