વરસાદ ની આગાહી: ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે હવામાન વિભાગે (IMD) નવી આગાહી જારી કરી છે. રાજ્યમાં આગામી 14 ઓગસ્ટ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં 10 ઓગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના, વીજળીના ચમકારા અને 30 થી 40 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ચોક્કસ વિસ્તારો અને જિલ્લાઓ:
-
બનાસકાંઠા અને વાવ-થરાદ
-
પાટણ અને મહેસાણા
-
સાબરકાંઠા અને અરવલ્લી
-
ગાંધીનગર
-
પંચમહાલ, દાહોદ અને મહીસાગર
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદ અંગેનું કોઈ યલો, ઓરેન્જ કે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી. 14 ઓગસ્ટ સુધી માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે.
એકસાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય
દેશભરમાં નિર્માણ પામેલી વિવિધ વાતાવરણીય સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસુ માહોલ જળવાઈ રહ્યો છે:
-
મોન્સૂન ટ્રફ: દરિયાઈ સપાટી પરની મોન્સૂન ટ્રફ હાલ અનૂપગઢ, દિલ્હી, દેઓમાલી, સિદ્ધિ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે.
-
લો-પ્રેશર સિસ્ટમ: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો-પ્રેશર એરિયા સર્જાયો છે.
-
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉપરી ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ જોવા મળી રહ્યું છે. આ સિવાય ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર પણ 3.1 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
-
ભેજવાળા પવનો: નીચલા સ્તરે અરબી સમુદ્ર પરથી દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો સતત ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાત પર ભેજ જળવાઈ રહ્યો છે.
