ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ચા સાથે ગરમાગરમ ભજિયાં ખાવાનું મન થાય છે. પરંતુ વારંવાર ડીપ-ફ્રાય ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે સારો નથી હોતો. જો તમે આ ચોમાસામાં કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવા માંગતા હો, તો ઓછા તેલમાં બનતા આ ૪ ક્રિસ્પી સ્નેક્સ ઘરે બનાવી શકો છો.
૧. વેજીટેબલ કટલેટ
બટાકા, ગાજર, બીન્સ અને વટાણા જેવી શાકભાજીને બાફીને મેશ કરી લો. તેમાં મસાલા, બ્રેડ ક્રમ્બ્સ અથવા ઓટ્સ ઉમેરીને નાના કટલેટ બનાવો.
ત્યારબાદ તવા પર અથવા એર ફ્રાયરમાં ઓછા તેલમાં શેકી લો. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કટલેટ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
૨. રોસ્ટેડ મખાના
જો તમારે કંઈક હલકું અને ઝડપથી બનતું જોઈતું હોય તો રોસ્ટેડ મખાના શ્રેષ્ઠ વિકલ્પ છે:
-
મખાનાને ધીમા તાપે કઢાઈમાં શેકી લો.
-
તેમાં થોડું ઘી, મીઠું, મરી પાવડર અને ચાટ મસાલો ઉમેરો.
-
આ સ્નેક સ્વાદિષ્ટ હોવાની સાથે પચવામાં પણ હળવો છે.
૩. સ્વીટ કોર્ન ચાટ
બાફેલા સ્વીટ કોર્નમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને લીલા મરચાં ઉમેરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ, ચાટ મસાલો અને સંચળ ઉમેરીને મિક્સ કરો.
તમે ઈચ્છો તો સ્વાદ વધારવા માટે થોડું બટર કે ચીઝ પણ ઉમેરી શકો છો.
૪. પાલક કબાબ
પાલકને થોડી બાફીને ઝીણી સમારી લો. તેમાં બાફેલો બટાકો, બેસન અથવા ઓટ્સ અને મસાલા ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.
નાના કબાબ બનાવીને નોન-સ્ટિક તવા પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
ચા સાથે બનાવો બેસ્ટ કોમ્બિનેશન
ડીપ-ફ્રાય કરવાને બદલે ઓછું તેલ વાપરીને પણ ટેસ્ટી સ્નેક્સ બનાવી શકાય છે. આ વખતે વરસાદમાં ભજિયાંના બદલે આ ૪ વાનગીઓ ચોક્કસ ટ્રાય કરો.
