અમેરિકામાં એચ-વનબી (H-1B) અને પર્મ (PERM) વર્ક વિઝામાં ચાલી રહેલી કથિત છેતરપિંડી સામે સરકારે મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કૌભાંડની તપાસમાં જાણીતી કંપની કોગ્નિઝન્ટ (Cognizant) સહિત ઘણી મોટી આઈટી સંસ્થાઓ અમેરિકી એજન્સીઓના રડારમાં આવી ગઈ છે.
જે.ડી. વેન્સની ખાસ ટુકડી એક્શનમાં વિઝા સાથે જોડાયેલી ગેરરીતિઓ સામે આ કડક પગલું અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સની ખાસ છેતરપિંડી વિરોધી ટાસ્ક ફોર્સ હેઠળ ઉઠાવવામાં આવ્યું છે. શ્રમ વિભાગની સંસ્થા ‘ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ’ (OIG) દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
નકલી અરજીઓ અને શોષણનો આક્ષેપ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાય એમ્પ્લોયર્સ અને લેબર બ્રોકર્સે ખોટા દસ્તાવેજોના આધારે નકલી અરજીઓ સબમિટ કરી હતી. આ સિવાય વિદેશી કર્મચારીઓને નિયમ કરતાં ખૂબ ઓછા વેતને પરાણે કામ કરાવીને તેમનું શોષણ કરાતું હતું. બજારમાં ઓછા પગારવાળા કર્મચારીઓ લાવી સ્થાનિક અમેરિકનોની નોકરીઓ છીનવી લેવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો છે.
ડઝનબંધ કંપનીઓને આદેશપત્ર તંત્ર દ્વારા આ મામલે અત્યાર સુધીમાં ડઝનબંધ સંસ્થાઓને સમન્સ (આદેશપત્ર) જાહેર કરાયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક બાતમીદારો કોગ્નિઝન્ટ જેવી મોટી કંપનીઓ વિશે મહત્વની માહિતી આપી રહ્યા છે. શ્રમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદેશી ગેસ્ટ વર્કર વિઝા સિસ્ટમનો ગેરઉપયોગ કરનારા અને અમેરિકનોનો હક છીનવનારા આખા નેટવર્કને જડમૂળથી ખતમ કરવામાં આવશે.
