આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Alpha’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં આલિયાની માતા સોની રાઝદાને એક ખાસ પોસ્ટ શેર કરી છે. સોની રાઝદાને સોશિયલ મીડિયા પર પોતાના પરિવારની ચાર પેઢીઓની એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. આ સાથે તેમણે એક ઈમોશનલ નોટ પણ લખી છે.
સોની રાઝદાને માતાને ગણાવ્યા અસલી ‘Alpha’
સોની રાઝદાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી ફોટોમાં તેમના 97 વર્ષના માતા, પુત્રી આલિયા ભટ્ટ, દોહિત્રી અને તેઓ પોતે જોવા મળે છે. સોની રાઝદાને પોતાની માતાને પરિવારની અસલી એટલે કે ‘OG ALPHA’ મહિલા ગણાવી છે.
તેમણે લખ્યું કે, આજે મારી માતાનો જન્મદિવસ નથી. પરંતુ તેમની દોહિત્રી આલિયાની ફિલ્મ રિલીઝ થઈ રહી છે, તેથી તેઓ આલિયાને શુભેચ્છા પાઠવવા માંગતા હતા.
નાઝી જર્મનીથી ભાગવું પડ્યું હતું
સોની રાઝદાને તેમની માતાના મુશ્કેલ બાળપણના દિવસો યાદ કર્યા છે. તેમણે જણાવ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમના પરિવારે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમની માતા જ્યારે માત્ર 6 વર્ષના હતા, ત્યારે તેમણે નાઝી જર્મની છોડવું પડ્યું હતું.
તેઓ જર્મન હતા અને યહૂદી નહોતા. તેમ છતાં તેમણે ભાગવું પડ્યું કારણ કે સોની રાઝદાનના દાદા હિટલરની સામે નીડરતાથી લડ્યા હતા.
આ રીતે ભારત આવ્યા
ચેકોસ્લોવાકિયામાં થોડો સમય વિતાવ્યા બાદ, તેમનો પરિવાર એક યહૂદી ‘કિન્ડર ટ્રાન્સપોર્ટ’ ટ્રેન દ્વારા યુકે (UK) પહોંચ્યો હતો. ત્યાં ઘણી મુશ્કેલીઓ વેઠ્યા બાદ તેમની મુલાકાત એન.એન. રાઝદાન સાથે થઈ. બંનેએ લગ્ન કર્યા અને ત્યારબાદ ભારતમાં આવીને એક નવું જીવન શરૂ કર્યું.
દરેક પરિવારમાં હોય છે આલ્ફા વુમન
સોની રાઝદાને પોતાની પોસ્ટના અંતમાં લખ્યું કે, આલ્ફા મહિલાઓ દરેક પરિવારમાં હોય છે. આપણા બધાની માતાઓ અને દાદી-નાનીઓ જ અસલી આલ્ફા મહિલાઓ છે. તેમણે ફેન્સને પણ પોતાના જીવનની પ્રેરણાદાયી મહિલાઓની વાર્તા શેર કરવા કહ્યું છે.
3 જુલાઈએ રિલીઝ થશે ‘Alpha’
શિવ રવૈલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘Alpha’ વાયઆરએફ (YRF) સ્પાય યુનિવર્સની પહેલી મહિલા લીડ ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 3 જુલાઈ 2026ના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
< /p>
