ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી ના કિસ્સા સતત વધી રહ્યા છે. હવે સાયબર ગુનેગારોએ લોકોને ઠગવા માટે નવી રીત શોધી કાઢી છે. ભેજાબાજો હવે ટ્રાફિક મેમો એટલે કે RTO ચલણના નામે લોકોને શિકાર બનાવી રહ્યા છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી કંપનીના સુપરવાઈઝરે એક ભૂલના કારણે લાખો રૂપિયા ગુમાવ્યા છે.
અજાણી APK ફાઈલ ભારે પડી
ભોગ બનનાર ૩૫ વર્ષીય યુવકના મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં RTO ચલણ ભરવાની નકલી વિગતો હતી. સાથે જ ચલણ જોવા માટે એક APK ફાઈલ મોકલવામાં આવી હતી.
યુવકે અજાણતા જ આ જોખમી ફાઈલ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી લીધી. ફાઈલ ઓપન કરીને તેણે નામ અને સરનામા જેવી અંગત માહિતી સબમિટ કરી દીધી.
OTP આવ્યા અને ફોન હેક થયો
માહિતી ભરતાની સાથે જ યુવકનો મોબાઈલ ફોન અચાનક હેંગ થઈ ગયો હતો. સાયબર ગુનેગારોએ તેના ફોનનો પૂરો કંટ્રોલ મેળવી લીધો હતો. આ પછી યુવકના ફોન પર સતત અલગ-અલગ OTP આવવા લાગ્યા. જો કે, તે સમયે યુવકે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી.
સવારે બેંક એકાઉન્ટ ખાલી મળ્યું
બીજા દિવસે સવારે જ્યારે યુવકે પોતાના મોબાઈલ મેસેજ ચેક કર્યા ત્યારે તેના હોશ ઉડી ગયા. તેના ખાતામાંથી સતત પૈસા ઉપડ્યા હોવાના મેસેજ આવ્યા હતા. યુવક તરત જ દોડીને બેંક પહોંચ્યો હતો.
બેંકમાં તપાસ કરતા ખબર પડી કે સાયબર ગઠિયાઓએ તેનું આખું એકાઉન્ટ ખાલી કરી દીધું છે. હેકર્સે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ ૧૧.૮૭ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.
સાયબર સેલમાં ફરિયાદ
પોતાની સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. હાલમાં યુવકે આ ભેજાબાજો વિરૂદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
વાચકો માટે જરૂરી સૂચના: કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલી લિંક કે APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ કરશો નહીં. ટ્રાફિક ચલણ હંમેશા સરકારી સત્તાવાર વેબસાઈટ પર જઈને જ ચેક કરો.
