અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઈઝરાયલ સાથે મિત્રતા કરવા માટે ખાસ વિનંતી કરી હતી. પાકિસ્તાને આ અપીલને સાફ શબ્દોમાં ઠુકરાવી દીધી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ કિંમતે તેમને ઈઝરાયલ સાથે દોસ્તી મંજૂર નથી. ટ્રમ્પે સાઉદી અરેબિયા અને કતાર સહિતના મુસ્લિમ દેશો પર પણ ‘અબ્રાહમ એકોર્ડ’ કરાર કરવા માટે દબાણ કર્યું છે.
ટ્રમ્પની શરત પાકિસ્તાન માટે માનવી અશક્ય
પરમાણુ શક્તિ ધરાવતું પાકિસ્તાન દુનિયાભરમાં ઈઝરાયલના સૌથી કટ્ટર વિરોધી દેશોમાં ગણાય છે. ટ્રમ્પે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોને ‘અબ્રાહમ એકોર્ડ’માં જોડાઈને કૂટનીતિક સંબંધો શરૂ કરવા આગ્રહ કર્યો હતો. જોકે, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે, વ્યક્તિગત રીતે તેમને નથી લાગતું કે પાકિસ્તાને કોઈ એવા કરારમાં સામેલ થવું જોઈએ જે તેમના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ હોય.
તેમણે ગર્વભેર ઉમેર્યું કે, વિશ્વમાં પાકિસ્તાન જ એકમાત્ર એવો દેશ છે જેના પાસપોર્ટ પર સ્પષ્ટપણે ઈઝરાયલનું નામ લખીને ત્યાંની મુસાફરી કરવા પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટ્રમ્પે મુસ્લિમ દેશોને આપી સીધી ચેતવણી
૨૫ મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કીયે, ઇજિપ્ત અને જોર્ડનને અબ્રાહમ એકોર્ડમાં જોડાવા આગ્રહ કર્યો હતો. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું નામ પણ લીધું હતું. ટ્રમ્પે લખ્યું કે, ‘જો આ દેશો રાજી થઈ જાય, તો મિડલ ઈસ્ટમાં સાચી શાંતિ આવી શકે છે. આ પ્રક્રિયાની શરૂઆત સાઉદી અરેબિયા અને કતારના હસ્તાક્ષરથી થવી જોઈએ.’ ટ્રમ્પે ચેતવણીના સૂરમાં એમ પણ કહ્યું કે, જો કોઈ મુસ્લિમ દેશ આ શાંતિ કરારથી પાછળ હટે છે, તો તેની દાનત સાચી નથી તેમ માનવામાં આવશે.
શું છે આ ‘અબ્રાહમ એકોર્ડ’?
અબ્રાહમ એકોર્ડ એક ઐતિહાસિક સમજૂતી છે. તેની શરૂઆત વર્ષ ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન કરાવી હતી. આ કરાર અંતર્ગત કેટલાક આરબ મુસ્લિમ દેશોએ પહેલીવાર સત્તાવાર રીતે ઈઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપીને તેની સાથે વેપાર અને મિત્રતાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા UAE અને બહેરીને આના પર સહી કરી હતી, ત્યારબાદ મોરોક્કો અને સુદાન પણ જોડાયા હતા.
પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા વિવાદના કારણે પાકિસ્તાન ઈઝરાયલને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારતું નથી. હવે ટ્રમ્પના આ આંતરરાષ્ટ્રીય દબાણ સામે પાકિસ્તાન કઈ નવી વ્યૂહનીતિ અપનાવે છે તેના પર સૌની નજર છે.
