vapi : ખંડણી કેસમાં મોટો વળાંક: DNA ટેસ્ટ બાદ પોલીસ પર હુમલો કરનાર આરોપીના પગમાં SOG PI એ ગોળી ધરબી
વલસાડ: વાપીની અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે ₹5 કરોડની ખંડણી માંગવા અને તેમના નાના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા ત્રણ આરોપીઓના DNA ટેસ્ટ કરાવીને પરત ફરી રહેલી વલસાડ SOG (Special Operations Group) ની ટીમ પર મુખ્ય આરોપી પૈકીના એક જુગરાજસિંહે હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને સ્વબચાવમાં SOG PI દિનેશ પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં ગોળી ધરબી દીધી હતી.
બલિઠા રેલવે અંડરપાસ પાસે ઘટી ઘટના
વલસાડ પોલીસે ખંડણી અને હુમલાના કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસના ભાગરૂપે SOGની ટીમ ત્રણેય આરોપીઓને DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ્યારે પોલીસ કાફલો પરત ફરી રહ્યો હતો, ત્યારે બલિઠા રેલવે અંડરપાસ પાસે આરોપી જુગરાજસિંહે અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ભાગવાના પ્રયાસમાં જુગરાજસિંહે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી અને ત્યારબાદ પોતાના હાથમાં પહેરેલી હથકડી વડે પોલીસ વાહનના ડ્રાઇવર સુનિલ મિશ્રા, હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ ઝાલા અને ભાવેશ ચૌધરી પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. આરોપી ફરાર ન થઈ જાય તે માટે PI દિનેશ પરમારે સ્વબચાવમાં સર્વિસ રિવોલ્વરથી તેના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં જ આરોપી જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક કાબૂમાં લઈ પ્રાથમિક સારવાર માટે વાપી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.
શું હતો સમગ્ર ખંડણી અને હુમલાનો મામલો?
ગત 17 નવેમ્બરના રોજ વાપી શહેરના મેઈન બજાર સ્થિત ગાંધી માર્કેટમાં આવેલા અભિષેક જ્વેલર્સના માલિક પ્રદીપ જૈનના નાના ભાઈ પર જીવલેણ હુમલો થયો હતો. બપોરના સમયે જ્યારે તેઓ શોપિંગ સેન્ટરના વોશરૂમમાંથી બહાર આવી દરવાજો લોક કરી રહ્યા હતા, ત્યારે લવપ્રીતસિંહ અને અમોલકસિંહે છરા અને કોયતા જેવા ધારદાર હથિયારોથી તેમના ગળા અને પીઠ પર ઘા ઝીંક્યા હતા. આ સમગ્ર હુમલાનો વીડિયો ત્રીજા આરોપી જુગરાજે ઉતારીને દુબઈમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર હેરી ઢીલ્લોનને મોકલ્યો હતો.
દુબઈની જેલમાં રચાયું હતું ₹5 કરોડની ખંડણીનું કાવતરું
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ પંજાબના માનસાનો વતની હરજિંદરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોન હાલ હત્યાના ગુનામાં દુબઈની જેલમાં બંધ છે અને ત્યાંથી પોતાનું નેટવર્ક ચલાવે છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પણ સંડોવાયેલા હેરી ઢીલ્લોને દુબઈની જેલમાં જુગરાજ ઉર્ફે યુવરાજ સાથે મળીને વાપીના જ્વેલર્સ પાસેથી ₹5 કરોડ પડાવવાનું કાવતરું રચ્યું હતું. આ કામ માટે ત્રણેય આરોપીઓને ₹50-50 હજાર આપવાનું નક્કી થયું હતું, જેના આધારે પંજાબથી ત્રણેય શખ્સો 13 નવેમ્બરે વાપી આવી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને રેકી કર્યા બાદ હુમલાને અંજામ આપ્યો હતો.
