બિહારની રાજધાની પટનાના બિહટા વિસ્તારમાંથી પતિ-પત્નીના સંબંધોને કલંકિત કરતો એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. અહીં એક પરિણીત મહિલાએ ગામના જ ૨૨ વર્ષીય યુવક સાથેના પોતાના પ્રેમસંબંધમાં અડચણરૂપ બની રહેલા પતિને રસ્તામાંથી હટાવવા માટે પ્રેમી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને સોપારી આપીને તેની હત્યા કરાવી દીધી હતી. પોલીસે આ મામલે તપાસ કરીને મૃતકની પત્ની, તેના પ્રેમી અને એક સગીર આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઘરમાં ઘૂસીને ગોળી મારી કરવામાં આવી હતી હત્યા
સમગ્ર ઘટના બિહટા પોલીસ સ્ટેશન વિસ્તારના દૌલતપુર સિમરી ગામની છે. ગત ૧૦ નવેમ્બરના રોજ મોહમ્મદ ઈરફાન ઈમામ ઉર્ફે કલ્લુની ઘરમાં ઘૂસીને ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ સનસનાટીભરી વારદાત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બિહટા પોલીસે ગુનો નોંધીને હત્યાનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી, જેણે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
પૂછપરછમાં પત્નીએ કબૂલ્યો ગુનો, પ્રેમી અને સગીર ઝડપાયા
પોલીસ તપાસ દરમિયાન મૃતકની પત્નીની સઘન પૂછપરછ કરવામાં આવતાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. પત્નીએ કબૂલાત કરી હતી કે તેનો ગામમાં જ રહેતા ૨૨ વર્ષીય કરણ કુમાર સાથે પ્રેમસંબંધ હતો અને તેનો પતિ આ સંબંધનો સખત વિરોધ કરતો હતો. પતિના વિરોધથી કંટાળીને પત્નીએ પ્રેમી કરણ કુમાર સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું અને સાગરિતોને સોપારી આપીને પતિની હત્યા કરાવી હતી. દાનાપુરના એસડીપીઓ-૨ અમરેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે પોલીસે પત્ની, પ્રેમી કરણ કુમાર અને એક સગીરની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય ફરાર આરોપીઓ અને હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવા માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
