ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસના સૌથી કલંકિત અને વિવાદાસ્પદ પ્રકરણ સમાન વર્ષ ૨૦૧૮ના સૈન્ડપેપરગેટ પ્રકરણે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં જોરદાર વિવાદ જગાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાની તાજેતરમાં પ્રગટ થયેલી આત્મકથા ‘સબ્ર’ મારફતે દક્ષિણ આફ્રિકાના તે બદનામ પ્રવાસને લગતી એવી છૂપી હકીકતો સામે આવી છે, જેને કારણે ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમ અને ક્રિકેટ બોર્ડ બંને શંકાના દાયરામાં આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂકેલા ખ્વાજાએ પોતાની પુસ્તકમાં ખુલ્લેઆમ દાવો કર્યો છે કે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી તે ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલ સાથે છેડછાડ કરવાના ષડયંત્રથી સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ સંપૂર્ણપણે વાકેફ હતી. તેમણે એવો પણ ગંભીર આરોપ મૂક્યો છે કે ટીમમાં હાજર રહેલા મોટાભાગના ખેલાડીઓ કોઈને કોઈ રીતે આ યોજનામાં સહભાગી હતા, પરંતુ જ્યારે આખી દુનિયા સામે ભાંડો ફૂટ્યો ત્યારે ટીમના કેટલાક સભ્યોએ સામૂહિક જવાબદારી સ્વીકારવાથી પીછેહઠ કરી લીધી હતી અને માત્ર ત્રણ ખેલાડીઓને બલિનો બકરો બનાવી દીધા હતા.
પોતાની પુસ્તકમાં ભૂતકાળને યાદ કરતાં ઉસ્માન ખ્વાજાએ અંગત સંડોવણી અંગે અત્યંત પારદર્શકતા દાખવતા કબૂલાત કરી છે કે તેમણે વ્યક્તિગત રીતે ક્યારેય બોલને ખંજવાળવાનું કે તેની કુદરતી સ્થિતિ બગાડવાનું કામ નહોતું કર્યું, પરંતુ તેઓ આ સમગ્ર ઘટનાક્રમથી જરાય અજાણ નહોતા. ખ્વાજાએ સ્પષ્ટ લખ્યું છે કે ટીમની અંદર શું ચાલી રહ્યું છે અને રિવર્સ સ્વિંગ મેળવવા માટે કઈ ગંદી રમત રમાઈ રહી છે તેની તેમને ક્ષણેક્ષણની ખબર હતી. આ ગેરરીતિ સામે અવાજ ન ઉઠાવવા બદલ અને કોઈ વિરોધ ન કરવાને કારણે તેઓ પોતાની જાતને પણ આ ગુનામાં સમાન દોષિત માને છે. તેમણે પુસ્તકમાં એ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવ્યો છે કે બોલ ટેમ્પરિંગની શરૂઆત કેપટાઉન ટેસ્ટમાં નહીં પરંતુ તે પહેલાં પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન જ થઈ ચૂકી હતી. પોર્ટ એલિઝાબેથમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરોને અચાનક અસાધારણ રિવર્સ સ્વિંગ મળવા લાગ્યો હતો, કારણ કે ખેલાડીઓએ બ્રેક દરમિયાન કેમેરા અને અમ્પાયર્સની નજરથી દૂર રહીને બોલ સાથે છેડછાડ કરવાનો રસ્તો શોધી કાઢ્યો હતો.
પોર્ટ એલિઝાબેથની ઘટના વર્ણવતાં ખ્વાજાએ લખ્યું છે કે અમ્પાયર્સ જ્યારે બાઉન્ડ્રી લાઇન પાસે બોલ રાખતા ત્યારે ત્યાં કોઈ પ્રસારણ કેમેરા નહોતા હોતા અને અમ્પાયર્સ પણ ૧૦૦ મીટર દૂર રહેતા હતા. તે સમયે ડેવિડ વોર્નરે સ્પષ્ટ કહ્યું હતું કે તમામની નજર તેના પર હોવાથી તે આ કામ નહીં કરે, ત્યારે માત્ર છ ટેસ્ટ રમીને ટીમમાં પોતાની જગ્યા પાકી કરવા મથી રહેલા કેમેરોન બેનક્રોફ્ટે આગળ આવીને આ કામ હાથમાં લીધું હતું. આ છેડછાડ બાદ મેદાન પર બોલ જ્યારે ગલીમાં ફિલ્ડિંગ કરી રહેલા ખ્વાજા પાસે આવતો ત્યારે બોલની અસામાન્ય સ્થિતિ જોઈને તેમને પણ આશ્ચર્ય થતું હતું કે આ બોલથી કોઈ પણ બોલર સરળતાથી રિવર્સ સ્વિંગ મેળવી શકે છે. આ ગેરકાયદેસર યુક્તિના દમ પર ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાના બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી નાખ્યું હતું. આખી દુનિયા એવું માને છે કે ઓસ્ટ્રેલિયા માત્ર કેપટાઉનમાં છેડછાડ કરતી પકડાયું હતું, પરંતુ ખરેખર તો તેની અગાઉની મેચમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
કેપટાઉનની ત્રીજી ટેસ્ટ દરમિયાન મેદાન પર લાગેલા જાયન્ટ સ્ક્રીન પર જ્યારે કેમેરોન બેનક્રોફ્ટ સૈન્ડપેપર વડે બોલ ઘસતા અને બાદમાં તે કાગળ અંડરવેરમાં છુપાવતા રંગેહાથ ઝડપાયા તે ક્ષણને ખ્વાજાએ સૌથી ભયાનક ગણાવી છે. આ દ્રશ્ય સ્ક્રીન પર આવતાં જ ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમમાં સોપો પડી ગયો હતો અને તમામ ખેલાડીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બેનક્રોફ્ટ ગભરાટથી ધ્રૂજવા લાગ્યા હતા અને ટીમને સમજાઈ ગયું હતું કે તેમણે ક્રિકેટની દુનિયામાં ન ભૂલી શકાય તેવી બ્લન્ડર મિસ્ટેક કરી દીધી છે. ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા તત્કાલીન સુકાની સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ તેમજ કેમેરોન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો સસ્પેન્શન લાદવામાં આવ્યો હતો.
જોકે ખ્વાજાની આત્મકથાનો સૌથી વિસ્ફોટક ભાગ એ છે જેમાં તેમણે સ્ટીવ સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટ સિવાયના ટીમના બે વરિષ્ઠ ખેલાડીઓ પર આકરા પ્રહારો કર્યા છે. ખ્વાજાના જણાવ્યા અનુસાર, જ્યારે સમગ્ર વિશ્વ આ ત્રણ ખેલાડીઓ પર તૂટી પડ્યું હતું ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના બે સભ્યોએ સામૂહિક નૈતિક જવાબદારી લેવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. ખ્વાજાએ પુસ્તકમાં આ બંને ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી પરંતુ લખ્યું છે કે મુશ્કેલ સમયમાં આ બંનેનું વલણ અત્યંત સ્વાર્થી હતું અને તેઓ માત્ર પોતાની કારકિર્દી અને ઈમેજ બચાવવામાં લાગેલા હતા. આ ઘટનાએ તે બંને ખેલાડીઓના અસલી ચહેરા અને રંગ છતા કરી દીધા હતા. ખ્વાજાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા હાથ ધરાયેલી આંતરિક તપાસને પણ તદ્દન અધૂરી અને ઢાંકપિછોડો કરનારી ગણાવી છે, કારણ કે બોર્ડ સમગ્ર સત્ય જાહેર કરવા જ માંગતું નહોતું.
આટલું જ નહીં, ખ્વાજાએ પોતાના પરમ મિત્ર ડેવિડ વોર્નરનો પક્ષ લેતાં જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં વોર્નરને મુખ્ય સૂત્રધાર બનાવીને સૌથી વધુ બદનામ કરવામાં આવ્યો, જે અન્યાયી હતું. વોર્નર એકલો આ પ્લાનનો માસ્ટરમાઇન્ડ નહોતો પરંતુ આખી ટીમ આ કાવતરામાં સામેલ હતી. ખ્વાજાએ પુસ્તકમાં એક જાણીતા બોલરનો પણ પર્દાફાશ કર્યો છે, જેણે ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ ટીવી શો ‘ધ બેક પેજ’ પર જઈને લાઈવ ટેલિવિઝન પર સફેદ જૂઠ બોલતાં દાવો કર્યો હતો કે તેને બોલ ટેમ્પરિંગ વિશે કશી જ ગંધ નહોતી. આ ઇન્ટરવ્યુ જોઈને ડેવિડ વોર્નર અત્યંત ક્રોધિત થયો હતો અને તેણે ખ્વાજાને વીડિયો ક્લિપ મોકલીને આક્રોશ વ્યક્ત કર્યો હતો, જોકે વોર્નરે બાદમાં પરિસ્થિતિ વણસી ન જાય તે માટે શાંત રહેવાનું પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે સમયગાળામાં પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને નાથન લિયોન મુખ્ય બોલિંગ આક્રમણનો હિસ્સો હતા અને આ ચારેય બોલરોએ અગાઉ વર્ષ ૨૦૨૧માં એક સંયુક્ત નિવેદન બહાર પાડીને સૈન્ડપેપર વિવાદથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. ખ્વાજાના આ નવા ધડાકા બાદ હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને તે સમયના બોલર્સ ફરી એકવાર આકરી ટીકાઓ અને ગંભીર સવાલોના ઘેરામાં આવી ગયા છે.
