Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

કાળી ચૌદશે અમદાવાદ અને રાજકોટની હવા બની ઝેરી, અનેક વિસ્તારોમાં AQI 240ને પાર

Air Pollution

Air Pollution  : દિવાળીના તહેવારો વચ્ચે ગુજરાતનાં મોટાં શહેરોમાં હવાનું પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યું હતું. કાળી ચૌદશની રાત્રે અમદાવાદ અને રાજકોટમાં હવાની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદના એરપોર્ટ સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 240 સુધી પહોંચ્યો હતો. જ્યારે રખિયાલમાં 239 અને રાયખડમાં 232 AQI નોંધાયો હતો. રાજકોટમાં પણ કાળી ચૌદશની રાત્રે AQI 200ને પાર થતાં લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં 4 નવેમ્બરે AQI 175 નોંધાયો હતો, જ્યારે 7 નવેમ્બરે તે 176 સુધી પહોંચ્યો હતો. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ સરેરાશ કરતાં વધુ જોવા મળ્યું હતું. ખાસ કરીને એરપોર્ટ, રખિયાલ અને રાયખડ વિસ્તારમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ હતી. દિવાળીની રાત્રે ફટાકડાના ધુમાડાને કારણે પ્રદૂષણમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

પર્યાવરણ નિષ્ણાતોના મતે, હવાનું પ્રદૂષણ માત્ર ફટાકડાને કારણે જ વધતું નથી. શહેરમાં વાહનોનો ધુમાડો, બાંધકામની પ્રવૃત્તિઓ, રસ્તાઓની ધૂળ અને ઔદ્યોગિક પ્રદૂષણ પણ હવાની ગુણવત્તા બગાડવામાં જવાબદાર છે. ખાસ કરીને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં હવામાનની સ્થિતિને કારણે પ્રદૂષણની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

પર્યાવરણવિદ મહેશ પંડ્યાના જણાવ્યા મુજબ, શિયાળામાં વાતાવરણના નીચલા સ્તરે ઠંડી હવા અને પ્રદૂષણના કણો એકઠા થઈ જાય છે. પવનની ગતિ ઓછી હોવાને કારણે આ પ્રદૂષિત હવા ઉપર ફેલાઈ શકતી નથી. પરિણામે ધુમ્મસ અને સ્મોગની સ્થિતિ સર્જાય છે. દિવાળીના દિવસોમાં ફટાકડામાંથી નીકળતા ધુમાડા અને બારીક રજકણો આ સમસ્યામાં વધારો કરે છે.

હવાનું પ્રદૂષણ વધતાં બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. તબીબોની સલાહ મુજબ, પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યારે બહાર નીકળવાનું ટાળવું, જરૂર પડે ત્યારે યોગ્ય માસ્ક પહેરવો અને વહેલી સવારે ખુલ્લામાં કસરત કે વોક કરવાનું ટાળવું હિતાવહ છે.

ઉલ્લેખનીય છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 0થી 500 સુધી માપવામાં આવે છે. AQI જેટલો ઓછો હોય તેટલી હવા સારી ગણાય છે. પ્રદૂષણ વધતાં આ આંકડો પણ વધે છે. નિષ્ણાતોના મતે, દિવાળીની ઉજવણી દરમિયાન ફટાકડાનો ઉપયોગ ઘટાડવાની સાથે સામૂહિક અને સુરક્ષિત ઉજવણીને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી તહેવારની ખુશી સાથે લોકોના સ્વાસ્થ્યનું પણ રક્ષણ થઈ શકે.

 

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હીમાં દિલધડક હત્યા: IRS અધિકારીની UPSC ની તૈયારી કરતી પુત્રીની ગળું દબાવી હત્યા, ભૂતપૂર્વ નોકર પર શંકા

praxpatel

મિશન Gen-Z: ગુજરાતના રાજકારણમાં પેઢીગત બદલાવના સંકેત, ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર પસંદગીની પેટર્ન બદલશે

praxpatel

IPL 2026: પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનરે ખોલ્યું મોટું રહસ્ય, મેદાનમાં ઉતરતા પહેલા લીધો આ ચોંકાવનારો નિર્ણય!

praxpatel