Bhavnagar : સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં ધોળા દિવસે જાહેરમાં એક યુવતીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના ચકચારી કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભાવનગરના પ્રિન્સિપાલ સેશન્સ જજ રિઝવાનાબેન બુખારીની અદાલતે હત્યારા ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને દોષિત ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસ (આજીવન કેદ) ભોગવવાનો હુકમ કર્યો છે.
ભાવનગર જિલ્લાના કાનૂની ઈતિહાસમાં પ્રથમવાર પોલીસે ઘટનાના માત્ર ૩૧ જ દિવસની અંદર ઊંડાણપૂર્વક તપાસ પૂર્ણ કરી, ચાર્જશીટ રજૂ કરી સ્પીડી ટ્રાયલ ચલાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી મૃતક મહિલાને ઝડપી ન્યાય અપાવ્યો છે.
ભાવનગર એસ.ટી. સ્ટેન્ડ હત્યા કેસ એક નજરે
વહેમ રાખી જાહેરમાં માથું પછાડી કરપીણ હત્યા કરી હતી
પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર:
-
આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી જેલમાંથી છૂટીને એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતો હતો અને મૃતક કાજલબેન પણ તેની સાથે રહેતી હતી.
-
કાજલબેનને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા-કુશંકા રાખીને ૩ સપ્ટેમ્બરના રોજ ફૈઝલે એસ.ટી. સ્ટેન્ડના પબ્લિક એન્ટ્રી ગેટ પાસે જાહેરમાં તેના પર હુમલો કર્યો હતો.
-
આરોપીએ યુવતીને વાળ પકડીને દિવાલ અને જમીન પર ટાઇલ્સ સાથે માથું ભટકાવી, ગળા અને પડખાના ભાગે આડેધડ પાટા મારીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સાક્ષીનું અપહરણ કરી ત્રણ દિવસ ગોંધી રાખ્યો હતો
આરોપી ફૈઝલ રીઢો ગુનેગાર માનસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ પાંચ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે:
-
હત્યા કર્યા બાદ તે કોર્ટમાં સજાથી બચવા માટે કેસના મહત્વના પ્રત્યક્ષદર્શી સાક્ષીઓનું અપહરણ કરી ગયો હતો અને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા હતા જેથી તેઓ જુબાની ન આપી શકે.
-
પોલીસે સાક્ષીને હેમખેમ મુક્ત કરાવી તેને પૂર્ણ સુરક્ષા વચ્ચે અદાલતમાં રજૂ કર્યો હતો. સાક્ષીના અપહરણ મામલે ફૈઝલ સામે નિલમબાગ પોલીસમાં અલગથી ગુનો પણ નોંધાયો હતો.
પોલીસની વિશેષ SIT અને ફોરેન્સિક પુરાવાઓની ભૂમિકા
કેસની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ નિલમબાગ પીઆઈ ડી.પી. ઉનડકટની આગેવાનીમાં SIT ની રચના કરવામાં આવી હતી:
-
પોલીસે સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ જપ્ત કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલી આરોપી અને મૃતકની ચોક્કસ ઓળખ કરાવી હતી.
-
સાહેદોના બીએનએસ (BNS) ની કલમ ૧૮૩ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધાવ્યા હતા અને સર ટી. હોસ્પિટલના તબીબો દ્વારા પીએમ રિપોર્ટમાં ચોક્કસ ઈજાઓનું કારણ રજૂ કરાયું હતું.
-
સ્પે. સરકારી વકીલ ઉત્પલ દવેની ધારદાર કાનૂની દલીલો, સાક્ષીઓની જુબાની અને ૫૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને સમાજ માટે જોખમી ગણી આજીવન કારાવાસની કડક સજા ફટકારી હતી.
