Air Suvidha : વિદેશથી ભારત પ્રવાસ કરતા તમામ મુસાફરો માટે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ સલાહકારી (Advisory) જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સુરક્ષા અને દેખરેખ વધુ મજબૂત કરવાના હેતુથી ‘એર સુવિધા ૨.૦’ (Air Suvidha 2.0) પોર્ટલ પર સ્વયં-ઘોષણા (Self-Declaration) ફોર્મ ભરવાનું ફરીથી ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ સાથે જ સરકારે મુસાફરોને સાવચેત કર્યા છે કે આ સુવિધા સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે, જેથી એર સુવિધાના નામે ચાલતી નકલી વેબસાઇટો કે પ્રોસેસિંગ ફી વસૂલતા સાયબર ઠગોથી સાવધાન રહેવું જરૂરી છે.
એર સુવિધા ૨.૦ ગાઈડલાઈન્સ એક નજરે
શા માટે ફરી ફરજિયાત બન્યું ‘એર સુવિધા’?
કોવિડ-૧૯ મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ટ્રેકિંગ માટે ‘એર સુવિધા’ પોર્ટલ પ્રથમવાર શરૂ કરાયું હતું. બાદમાં સ્થિતિ થાળે પડતાં નવેમ્બર ૨૦૨૨ માં આ શરત હટાવી લેવામાં આવી હતી. જોકે, વૈશ્વિક સ્તરે ઇબોલા (Ebola) વાયરસના કેસો અને અન્ય ચેપી રોગોના જોખમોને ધ્યાને રાખીને તકેદારીના ભાગરૂપે સરકારે આ પોર્ટલને અપગ્રેડ કરીને ‘એર સુવિધા ૨.૦’ તરીકે પુનઃ કાર્યરત કર્યું છે, જેથી કોઈ સંભવિત સ્વાસ્થ્ય સંકટને દેશમાં પ્રવેશતું અટકાવી શકાય.
કોઈને પણ છૂટછાટ નહીં: દરેક કેટેગરીના મુસાફરો માટે નિયમ લાગુ
નવી માર્ગદર્શિકા મુજબ ભારતમાં ઉતરાણ કરતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના પ્રવાસીઓએ આ ફોર્મ ભરવું અનિવાર્ય છે:
-
વિદેશ પ્રવાસથી પરત ફરતા ભારતીય પાસપોર્ટ ધારકો.
-
OCI (Overseas Citizen of India) કાર્ડધારક પ્રવાસીઓ.
-
ભારતની મુલાકાતે આવતા તમામ વિદેશી નાગરિકો.
મુસાફરોએ પોતાની વ્યક્તિગત વિગતો, પાસપોર્ટ નંબર, ફ્લાઇટ નંબર, સીટ નંબર, ભારતમાં રહેઠાણનું સરનામું તેમજ છેલ્લા દિવસોની ટ્રાવેલ હિસ્ટ્રી અને સ્વાસ્થ્ય સ્થિતિની સાચી વિગતો ઓનલાઇન સબમિટ કરવાની રહેશે.
સેવા ૧૦૦% મફત: નકલી પોર્ટલ્સ અને ઓનલાઇન ઠગાઈથી ચેતજો
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સરકાર આ સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ, ટેક્સ કે પ્રોસેસિંગ ફી લેતી નથી.
-
કેટલાક અસામાજિક તત્વો અને સાયબર ગઠિયાઓ સત્તાવાર પોર્ટલ જેવી જ દેખાતી બોગસ વેબસાઇટો બનાવીને પ્રવાસીઓ પાસેથી પૈસા પડાવી રહ્યા છે.
-
મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ બિન-સત્તાવાર લિંક પર પોતાની અંગત વિગતો કે બેંક/કાર્ડ માહિતી શેર ન કરે અને કોઈ ચૂકવણી ન કરે.
-
માત્ર ભારત સરકારની અધિકૃત લિંક airsuvidha.civilaviation.gov.in પર જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરવી.
મુસાફરો માટે મહત્વપૂર્ણ સૂચના
એરપોર્ટ પર બોર્ડિંગ કે ઇમિગ્રેશન કાઉન્ટર પર કોઈપણ પ્રકારની અડચણ કે સમયના બગાડથી બચવા માટે પ્રવાસીઓએ વિમાનમાં બેસતાં પહેલાં જ ફોર્મ ભરી લેવું જોઈએ. ફોર્મ સબમિટ કર્યા બાદ મળતી સ્વીકૃતિની પ્રિન્ટ (Hard Copy) અથવા મોબાઇલમાં ડિજિટલ કૉપી સાચવી રાખવી, જેથી તપાસ દરમિયાન અધિકારીઓને તાત્કાલિક દર્શાવી શકાય.
