Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૪મા હપ્તાની રાહ પૂરી! ૩૦ ઑક્ટોબરે ખેડૂતોના ખાતામાં આવશે ₹૨,૦૦૦, અટકેલા પૈસા મેળવવા તાત્કાલિક પૂર્ણ કરો e-KYC

૨૪મા હપ્તાની રાહ પૂરી! ૩૦ ઑક્ટોબરે ખેડૂતોના ખાતામાં આવશે ₹૨,૦૦૦, અટકેલા પૈસા મેળવવા તાત્કાલિક પૂર્ણ કરો e-KYC

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના નાણાંની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. યોજના હેઠળનો ૨૪મો હપ્તો આગામી ૩૦ ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. કૃષિ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે ચુકવણીની તારીખ જાહેર કરવામાં આવી છે, જેના અંતર્ગત યોગ્યતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ₹૨,૦૦૦ ની આર્થિક સહાય સીધી જમા કરવામાં આવશે.

જોકે, હપ્તો જાહેર થવાનો અર્થ એવો નથી કે નોંધણી કરાવેલા દરેક ખેડૂતના ખાતામાં પૈસા પહોંચી જ જશે. જો તમારા સરકારી દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા હશે કે e-KYC પ્રક્રિયા બાકી હશે, તો નાણાં અટકી શકે છે.

કયા કારણોસર અટકી શકે છે તમારો હપ્તો?

  • અધૂરું e-KYC: યોજનાના નિયમો મુજબ લાભાર્થી ખેડૂતની ઓળખ સુનિશ્ચિત કરવા e-KYC ફરજિયાત છે.

  • બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવું: જો બેંક એકાઉન્ટ આધાર સાથે સીડેડ (લિંક) નહીં હોય કે DBT સર્વિસ સક્રિય નહીં હોય, તો સિસ્ટમ પેમેન્ટ રિજેક્ટ કરી શકે છે.

  • જમીન વેરિફિકેશન (Land Seeding) ની સમસ્યા: રેવન્યુ રેકોર્ડ મુજબ જમીનનું વેરિફિકેશન અધૂરું હોય તો પણ ખાતામાં નાણાં જમા થતા નથી.

  • અંગત વિગતોમાં ભૂલ: બેંક એકાઉન્ટ નંબર, નામની જોડણી કે IFSC કોડમાં ભૂલ હોવા પર પણ પેમેન્ટ રોકાઈ જાય છે.

તમે પાત્ર છો કે નહીં? સ્ટેટસ આ રીતે ચેક કરો

ખેડૂતો પીએમ-કિસાન પોર્ટલ પરથી સરળતાથી પોતાના પેમેન્ટનું સ્ટેટસ ચકાસી શકે છે:

૧. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.

૨. હોમપેજ પર આપેલા ‘Know Your Status’ વિકલ્પ પર ક્લિક કરો.

૩. તમારો રજિસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરીને ‘Get OTP’ પર ક્લિક કરો.

૪. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP એન્ટર કરો.

૫. ત્યારબાદ સ્ક્રીન પર તમારું ‘બેનિફિશિયરી સ્ટેટસ’ દેખાશે. તેમાં e-KYC, આધાર સીડિંગ અને લેન્ડ સીડિંગ સામે “Yes” લખેલું હોવું જરૂરી છે. જો કંઈપણ બાકી હોય તો તાત્કાલિક સુધારો કરો.

e-KYC પૂર્ણ કરવા માટેના ૩ સરળ રસ્તા

ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ નીચે દર્શાવેલી કોઈપણ એક પદ્ધતિથી e-KYC પૂરું કરી શકે છે:

  • ૧. ઓનલાઇન OTP પદ્ધતિ:

    પીએમ કિસાન વેબસાઇટ પર ‘e-KYC’ ટેબ સિલેક્ટ કરી તમારો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર આવતો OTP નાખીને પ્રક્રિયા સબમિટ કરો.

  • ૨. બાયોમેટ્રિક પદ્ધતિ (CSC સેન્ટર):

    જે ખેડૂતોના મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી, તેઓ નજીકના ‘કોમન સર્વિસ સેન્ટર’ (CSC) અથવા ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવી e-KYC કરાવી શકે છે.

  • ૩. ફેસ ઓથેન્ટિકેશન (મોબાઈલ એપ):

    સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘PM-KISAN’ એપ અને ‘Aadhaar Face RD’ એપ ડાઉનલોડ કરો. રજિસ્ટર્ડ નંબરથી લોગિન કર્યા બાદ ચહેરો સ્કેન કરીને પણ ઘરે બેઠા e-KYC વેરિફિકેશન થઈ શકે છે.

ચુકવણીમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે ખેડૂતોએ ૩૦ ઑક્ટોબર પહેલાં પોતાના રેકોર્ડ્સ અને બેંક વિગતોની ચકાસણી પૂર્ણ કરી લેવી હિતાવહ છે.

સંબંધિત પોસ્ટ્સ

‘મેં હિટલરથી પ્રેરણા લઈને…’ તેલંગાણાના CM રેવંત રેડ્ડીના નિવેદન પર ભારે રાજકીય હોબાળો

praxpatel

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો

aminparmar