ICC :ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રણ વનડે મેચોની સીરિઝ ભારતે ૨-૧ થી જીતી લીધી છે, પરંતુ સીરિઝના આખરી મુકાબલાને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કડક વલણ અપનાવ્યું છે. ન્યૂ ચંડીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં નિર્ધારિત સમય મર્યાદામાં ઓવર્સ પૂર્ણ ન કરવા બદલ (સ્લો ઓવર રેટ) આઈસીસી દ્વારા બંને ટીમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
આઈસીસીએ યજમાન ટીમ ભારત પર મેચ ફીના ૨૦ ટકા અને મુલાકાતી ટીમ વેસ્ટઈન્ડિઝ પર મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકાર્યો છે.
ભારતના ૪ અને વેસ્ટઈન્ડિઝના ૨ ઓવર ઓછા નીકળ્યા
મેચ દરમિયાન સમયના નિયમો અને મુક્તિઓને ધ્યાને લીધા બાદ આઈસીસીના મેચ રેફરી પ્રકાશ ભટ્ટે આ પેનલ્ટી લાગુ કરી હતી:
-
ભારતીય ટીમની ભૂલ: મેચ દરમિયાન જ્યારે ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં બોલિંગ કરી રહી હતી, ત્યારે અમ્પાયર્સે કેપ્ટન શુભમન ગિલને ઘણી વખત સમય બાબતે ચેતવણી આપી હતી. તેમ છતાં ભારતીય ટીમ નિર્ધારિત સમય કરતા ૪ ઓવર પાછળ રહી હતી.
-
વેસ્ટઈન્ડિઝ ટીમની સ્થિતિ: પ્રથમ ઇનિંગ્સમાં ૫૦ ઓવર ફેંક્યા બાદ વેસ્ટઈન્ડિઝની ટીમ નિર્ધારિત સમયથી ૨ ઓવર ઓછી ફેંકી શકી હતી.
-
આઈસીસી નિયમ (Article 2.22): ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ ૨.૨૨ મુજબ, નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓછી ઓવર ફેંકવા બદલ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર મેચ ફીના ૫ ટકા લેખે દંડ વસૂલવામાં આવે છે. આથી ભારતે ૪ ઓવર મોડી ફેંકી હોવાથી ૨૦% અને વિન્ડીઝે ૨ ઓવર મોડી ફેંકી હોવાથી ૧૦% પેનલ્ટી થઈ છે.
બંને કેપ્ટન્સે સજાનો સ્વીકાર કર્યો, સુનાવણી ટળી
મેદાન પરના અમ્પાયર્સ જયરામન મદનગોપાલ અને સેમ નોગાજસ્કી, ત્રીજા અમ્પાયર શરફુદ્દૌલા અને ચોથા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ આ નિયમભંગની સત્તાવાર ફરિયાદ મેચ રેફરી સમક્ષ નોંધાવી હતી:
-
ભારતીય સુકાની શુભમન ગિલ અને વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શે હોપે પોતાની ભૂલ અને દંડનો સ્વીકાર કરી લીધો હતો.
-
કેપ્ટન્સે દંડ સ્વીકારી લેતાં આ મામલે આગળ કોઈ ઔપચારિક સુનાવણી હાથ ધરવાની જરૂર રહી નથી.
૩૫૧ રનનો પહાડ જેવો સ્કોર છતાં ભારત હાર્યું હતું ત્રીજી વનડે
ઉલ્લેખનીય છે કે ભારતે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પહેલેથી જ સીલ કરી લીધી હતી. જોકે, આ ત્રીજી મેચમાં ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૫૧ રન બનાવ્યા હોવા છતાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શે હોપે માત્ર ૧૪૩ બોલમાં ૧૬૨ રનની અણનમ અને વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ૪૮.૨ ઓવરમાં જ ૫ વિકેટે ૩૫૨ રન બનાવી પોતાની ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો.
