Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

પિતાએ સ્વકમાણીથી બનાવેલા ઘર પર પુત્ર કે પુત્રવધૂનો કોઈ અધિકાર નહીં: અમદાવાદ સિટી સિવિલ કોર્ટનો મોટો ચુકાદો, ૯૦ દિવસમાં મકાન ખાલી કરવા આદેશ

પિતાએ સ્વકમાણીથી બનાવેલા ઘર પર પુત્ર કે પુત્રવધૂનો કોઈ અધિકાર નહીં: અમદાવાદ સિટી સિવિલ કોર્ટનો મોટો ચુકાદો, ૯૦ દિવસમાં મકાન ખાલી કરવા આદેશ

કૌટુંબિક મિલકત વિવાદ અને વૃદ્ધ માતા-પિતાના કાનૂની અધિકારોને લઈને અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે એક સીમાચિહ્નરૂપ અને અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે, પિતાએ પોતાની સ્વ-ઉપાર્જિત (પોતાની કમાણીથી ખરીદેલી) મિલકતમાંથી પુત્ર અને પુત્રવધૂને બહાર કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. આવી મિલકત પર પુત્ર કે પુત્રવધૂ કોઈપણ પ્રકારનો કાયદેસર હક દાવો કરી શકતા નથી.

સિવિલ જજ વી.એ. ધાંધલે વયોવૃદ્ધ પિતાની તરફેણમાં દાવો આંશિક રીતે મંજૂર કરતાં પુત્ર અને પુત્રવધૂને ૯૦ દિવસની અંદર મકાનના પહેલા માળના રૂમો ખાલી કરીને પિતાને શાંતિપૂર્ણ કબજો સોંપી દેવાનો કડક આદેશ કર્યો છે.

‘વૈવાહિક ઘર’ હોવાના નામે કબજો ન રાખી શકાય: કોર્ટ

કેસની સુનાવણી દરમિયાન પુત્રવધૂ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ મકાન તેનું ‘વૈવાહિક ઘર’ (Matrimonial Home) છે અને ઘરેલું હિંસા અધિનિયમ (Domestic Violence Act) હેઠળ તેને ત્યાં રહેવાનો કાનૂની અધિકાર છે. તેણીએ સસરા અને પતિ વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

જોકે, અદાલતે પુત્રવધૂની તમામ દલીલો ફગાવી દેતાં મહત્વનાં તારણો નોંધ્યા હતા:

  • આર્થિક યોગદાનનો અભાવ: દસ્તાવેજોની ચકાસણી પરથી સાબિત થયું કે મકાનની ખરીદી કે બાંધકામમાં પુત્ર કે પુત્રવધૂનું એક પણ રૂપિયો આર્થિક યોગદાન નહોતું.

  • શેર્ડ હાઉસહોલ્ડ નથી: સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો સંદર્ભ આપીને કોર્ટે સ્પષ્ટ કર્યું કે સાસુ-સસરાની સંપૂર્ણ સ્વ-ઉપાર્જિત મિલકતને પુત્રવધૂનું કાયદેસરનું ‘શેર્ડ હાઉસહોલ્ડ’ (Shared Household) ગણી શકાય નહીં.

  • માત્ર લગ્ન થઈને આવ્યા હોવાના આધારે સસરાની અંગત મિલકતમાં પુત્રવધૂને રહેવાનો કાયમી કાનૂની હક મળી જતો નથી.

પિતાના ઉપયોગમાં ખલેલ પહોંચાડવા સામે કાયમી મનાઈ હુકમ

અદાલતે પુત્ર અને પુત્રવધૂને ૯૦ દિવસમાં પરિસર ખાલી કરવાના આદેશની સાથે સાથે તાકીદ કરી છે કે, તેઓ પિતાના મકાનના શાંતિપૂર્ણ ભોગવટા કે ઉપયોગમાં કોઈપણ પ્રકારનો અવરોધ કે દખલગીરી કરી શકશે નહીં. તે અંગે કાયમી મનાઈ હુકમ (Permanent Injunction) પણ ફરમાવી દેવામાં આવ્યો છે.

જોકે, પુત્રવધૂ સાથે રહેતી પુખ્ત વયની પૌત્રીને આ દાવામાં મૂળ પક્ષકાર બનાવવામાં આવી ન હોવાથી કોર્ટે તેની વિરુદ્ધ કોઈ સીધો હુકમ કર્યો ન હતો.

૨૦૧૩ થી ચાલતી ૧૩ વર્ષ લાંબી કાનૂની લડતનો અંત

આ વિવાદની પૃષ્ઠભૂમિ અમદાવાદના વાસણા વિસ્તાર સાથે જોડાયેલી છે:

  • ૧૯૮૦ના દાયકામાં ખરીદી: વાસણાના રહેવાસી મનુભાઈ દલસુખભાઈ શાહે વર્ષ ૧૯૮૦ થી ૧૯૮૫ દરમિયાન પોતાની કમાણીમાંથી હપ્તા ભરીને મકાન ખરીદ્યું હતું, જેનું ૧૯૮૯ માં તેમના નામે સત્તાવાર એલોટમેન્ટ થયું હતું.

  • કૌટુંબિક કંકાસ: વર્ષ ૨૦૦૨ માં પુત્રના લગ્ન થયા બાદ દંપતી પહેલા માળે રહેતું હતું. સમય જતાં પારિવારિક તકરાર અને મતભેદો વધતાં પિતાનું જીવવું દુષ્કર બન્યું હતું.

  • ૨૦૧૩ માં કોર્ટ કેસ: વારંવાર સમજાવવા છતાં પુત્ર-પુત્રવધૂ ઘર ખાલી ન કરતાં, આખરે લાચાર પિતાએ વર્ષ ૨૦૧૩ માં સિટી સિવિલ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પિતાએ મકાનની ખરીદીના તમામ ઐતિહાસિક નાણાકીય પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જેને માન્ય રાખીને અદાલતે સિનિયર સિટીઝન પિતાના હિતમાં ન્યાયી ફેંસલો સંભળાવ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

આકાશમાં મિસાઈલો અને નીચે સમુદ્રી સુરંગો! જાણો કેવી રીતે ભારતીય નૌસેનાએ હોર્મુઝના ‘મોતના રસ્તે’થી જહાજ બચાવ્યું

praxpatel

‘તેણે તો જવું જ પડત, અમારો વિરોધ ચાલુ રહેશે…’: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીના પ્રહાર

praxpatel

ગુજરાત પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું: કુલ 25,600 પદો પર થશે સીધી ભરતી

praxpatel