સુરેન્દ્રનગર ના કળમાદ ગામે મહાકાય રાક્ષસી વીજ કમ્પનીઓ સામે ખેડૂતોએ પોતાના હક્ક અધિકારની જાગૃતિ માટે, ખેડૂતોમાં એકતા આવે તેના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 8 -10 ગામોના ખેડૂતોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલ આંબલિયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, મહેશ રાજકોટિયા, રામકુભાઈ કરપડા, હેમંત વિરડા, શક્તિસિંહ, અજીતસિંહ વગેરે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા.
હવે ખેડૂતોને સમજાઈ રહ્યું છે કે આ વીજ લાઇન એ સેવા નથી એ કંપનીઓનો ધંધો છે અને મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે “કોઈ પણ ધંધો કરતી વ્યક્તિ પોતાના ધંધા માટે બીજી વ્યક્તિની મિલકતનો પોતાના ઉપયોગ કરે તો તેને ભાડું આપવું જોઈએ અથવા તો એ મિલકત વેચાતી લેવી પડે એના સિવાય બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરી શકે નહીં” જ્યારે કાયદો જ બીજી વ્યક્તિની મિલકત ઉપયોગ કરવા સામે રક્ષણ આપતો હોય ત્યારે અત્યારની ગુજરાત સરકાર ખાનગી કંપનીઓને ખેડૂતોના ખેતર(મિલકત) માં વીજ પોલ ઉભા કરવાની મંજૂરી કેવીરીતે આપી શકે ?? ખેડૂત આગેવાનોએ કહેવાતી ડબલ એન્જીનની ગુજરાત સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે અત્યારે જે જે વીજ લાઈનો નીકળે છે તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્ટર ખેડૂતોને 1885 ના ધ ટેલિગ્રાફ એકટ મુજબ કે 2003 ના વિદ્યુત કાયદા મુજબ નોટિસ આપે છે. ત્યારે ખેડૂતોએ દરેક કલેક્ટરને સવાલ કર્યો છે કે તમે નોટિસ જે કાયદા મુજબ આપો છો એ જ કાયદા મુજબ ખેડૂતોને વળતર કેમ નથી આપતા ?? જ્યારે વળતર આપવાનું આવે છે ત્યારે તમે 1885 નો કે 2003 ના કાયદા મુજબ “‘ઓછામાં ઓછું નુકશાન વધારેમાં વધારે વળતર”‘ વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે રાજ્ય સરકારે આ ખાનગી કંપનીઓ માટે કરેલા 2017, 2021, 2022, 2024, 2025 ના પરિપત્રો મુજબ જંત્રી ભાવે વળતરની ગણતરી શા માટે કરો છો ??
પાલભાઈ આંબલિયા એ ખાનગી કંપનીઓ માટે જાણે રાજ્ય સરકાર કામ કરતી હોય તે રીતે સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારના ઉર્જામંત્રી એ ગત મહિનામાં લાગુ પડતા જિલ્લાના કલેક્ટરો અને ખાનગી કંપનીઓના મેનેજરો સાથે વિડિઓ કોંફરન્સમાં મીટિંગ કરી કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમારે 2013 ના જમીન સંપાદન કાયદા મુજબ (માર્કેટ ભાવના ચાર ગણું) વળતર નક્કી નથી કરવાનું તમારે રાજ્ય સરકારે કરેલા પરિપત્રો મુજબ જ વળતર આપવાનું છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખેડૂતો માટેની માંગ સ્પષ્ટ કરતા આંબલિયા એ કહ્યું હતું કે….
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ
1) વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટેના ધ ટેલિગ્રાફ એકટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એકટ 2003 નાબૂદ કરો
2) વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટે જમીન સંપાદનનો કાયદો 2013 નો જ અમલ કરો
(જમીનના માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો)
3) 440kv, 765kv કે તેનાથી વધારે કિલોવોટનો વીજ પ્રવાહ વહન કરતી તમામ વીજ ટાવર લાઇનના થાંભલા દીઠ ઓછામાં ઓછું 2 કરોડ વળતર આપો અથવા તો જેમ મોબાઈલ ટાવર વાળા, પવનચક્કી વાળા ફિક્સ માસિક/વાર્ષિક ભાડું આપે છે તેમ પોલ દીઠ ભાડું આપવામાં આવે
4) વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટે કાયદાથી ઉપરવટ જઈ રાજ્ય સરકારે તારીખ 01/01/ 2017 થી 31/12/2025 ના સમયગાળામાં વીજ લાઈનો બાબતે કરેલા તમામ પરિપત્રો રદ્દ કરો
5) વીજ ટાવર લાઇનમાં થાંભલા – તાર નાખવા માટે કંપની માટે જ જાણે પોલીસ કામ કરતી હોય તેવીરીતે પોલીસની દાદાગીરી વાળો હસ્તક્ષેપ સંપૂર્ણપણે બંધ કરો (પોલીસ પ્રોટેક્શન આપવાનું બંધ કરો)
6) ધ ટેલિગ્રાફ એકટ 1885 ની કલમ 16(1) મુજબ કલેક્ટર દ્વારા થયેલા તમામ હુકમો રદ્દ કરો
7) ચોક્કસ નક્કી થયેલા વિસ્તાર (કોરિડોર) સિવાયના ખેડૂતોના ખેતરની જગ્યાનો ઉપયોગ કે, ખેડૂતોના ખેતરના રસ્તાનો ઉપયોગ વીજ કંપનીઓ કરે છે ત્યારે એ કંપનીઓ દ્વારા બિન અધિકૃત પ્રવેશ ગણી ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે
8) કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ જમીન સંપાદન કાયદો 2013 માં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 માં કરેલા તમામ સુધારાઓ સંપૂર્ણપણે નાબૂદ કરો
9) ગૌચરની જમીન, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઇનના થાંભલા અને તાર કાઢવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે જો અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથી હટાવવામાં આવે
10) રાજ્ય સરકાર હસ્તકના કે પંચાયત હસ્તકના તળાવ, ડેમ વાળા વિસ્તારમાં જે ડૂબની જગ્યા નક્કી થયેલી છે તે તમામ જમીન પર પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઇનના થાંભલા અને તાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવે અને જો અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથી હટાવવામાં આવે
11) 2013 જમીન સંપાદનના કાયદામાં અનુસૂચિ 4 માં દર્શાવેલા 17 કાયદાઓ કેન્દ્ર સરકારના 28/08/2015 ના ગેજેટ નોટિફિકેશન મુજબ અમલવારી કરવામાં આવે
12) ખેડૂતની જમીનમાં વીજળીનો થાંભલો નાખવામાં આવે છે તે જમીનની કિંમત હંમેશા માટે ડી. વેલુએશન (કિંમત ઘટી જાય) થઈ જાય છે અને આ વીજ ટાવર કાયમ માટે ખેડૂતોની જમીનમાં લગાવવામાં આવે છે. આથી આવતા 100 વર્ષ સુંધી નું વેલુએશન કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દરેક વીજ લાઈનમાં ખેડૂતોને જાગૃત કરી લડત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે જેના ભાગરૂપે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને રજૂઆત કરવા જવાના છે ત્યારે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ખેડૂતો પણ મોરબી પહોંચે તો નવાઈ નહિ.
