ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે. ઇન્ડોનેશિયાએ પીએમ મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘બિંતાંગ આદિપૂર્ણ’ (Bintang Adipurna of the Republic of Indonesia) એવોર્ડ આપવામાં આવ્યો છે.
પીએમ મોદીએ ઇન્ડોનેશિયાની જનતાનો માન્યો આભાર
આ સર્વોચ્ચ સન્માન મેળવ્યા બાદ પીએમ મોદીએ જકાર્તામાં પોતાના સંબોધનમાં ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું:
“આજે સવારે મને ખૂબ જ સ્નેહ અને આદર સાથે ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માન મારું નથી, પરંતુ કરોડો ભારતવાસીઓનું છે. તે ભારત અને ઇન્ડોનેશિયાના ઐતિહાસિક અને આત્મીય સંબંધોનું પ્રતીક છે. આ માટે હું રાષ્ટ્રપતિ પ્રબોવો અને ઇન્ડોનેશિયાની જનતાનો આભાર માનું છું.”
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે સુવર્ણ યુગની શરૂઆત
પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં એક નવા સુવર્ણ પ્રકરણની શરૂઆત થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક મહત્વના ક્ષેત્રો પર સહમતિ સધાઈ છે:
-
સમુદ્રી સુરક્ષા: ભારત અને ઇન્ડોનેશિયાના કોસ્ટ ગાર્ડ હવે હિંદ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા માટે સાથે મળીને કામ કરશે. બ્લુ ઇકોનોમી અને પોર્ટ ડેવલપમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવશે.
-
ગરીબી નાબૂદી અને કલ્યાણ: ભારતે પોતાની ‘મિડ-ડે મીલ’ યોજના અને સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS)ના મોડલને ઇન્ડોનેશિયા સાથે શેર કર્યા છે.
-
આરોગ્ય ક્ષેત્રે મદદ: નવા કરાર મુજબ, ઇન્ડોનેશિયાના નાગરિકોને ભારતની સસ્તી અને સારી ક્વોલિટીની દવાઓ સરળતાથી મળી રહેશે. આ સાથે જ ભારત ઇન્ડોનેશિયાના ડોક્ટરોની ક્ષમતા વધારવામાં પણ મદદ કરશે.
આ દ્વિપક્ષીય બેઠકથી ભારત અને ઇન્ડોનેશિયાના વેપારી અને વ્યૂહાત્મક સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે.
