મુંબઈ: ટીવી જગતની જાણીતી અભિનેત્રી જાસ્મિન ભસીન ક્યારેક પોતાની પ્રોફેશનલ લાઇફ તો ક્યારેક અલી ગોની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે અભિનેત્રી એક અલગ જ કારણસર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બની હતી. તાજેતરમાં જાસ્મિને શેર કરેલી કેટલીક તસવીરો જોઈને નેટિઝન્સે એવી અટકળો શરૂ કરી હતી કે તેણે પોતાના ચહેરા પર કોસ્મેટિક કે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ પાયાવિહોણી ચર્ચાઓથી નારાજ થયેલી જાસ્મિને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોટ શેર કરીને ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે.
‘મારો ચહેરો કોઈ પરમેનેન્ટ ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર નથી’: જાસ્મિન ભસીન
કોસ્મેટિક સર્જરીના સવાલો પર આકરી પ્રતિક્રિયા આપતા જાસ્મિન ભસીને પોતાની પોસ્ટમાં લખ્યું કે, “એવું લાગે છે કે જ્યારે પણ મારો ચહેરો થોડો અલગ દેખાય છે, ત્યારે લોકોને લાગે છે કે મેં કોઈ નવી પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી છે. દોસ્તો, થોડા શાંત થઈ જાઓ. હું સતત મુસાફરી કરું છું, ઘણીવાર પૂરતી ઊંઘ નથી લઈ શકતી, અલગ-અલગ મેકઅપ આર્ટિસ્ટ સાથે કામ કરું છું અને મને સાઇનસને કારણે સોજા પણ આવી જાય છે. હું થાકી જાઉં છું અને મેં સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ શરૂ કરી છે, જેનાથી મારું વજન થોડું વધ્યું છે… એટલે મારો ચહેરો કોઈ પરમેનેન્ટ ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર નથી.”
‘પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે પણ સમય જોઈએ છે’
અભિનેત્રીએ આગળ લખ્યું કે, “ક્યારેક મારો ચહેરો એકદમ શાર્પ દેખાય છે તો ક્યારેક તેના પર સોજો હોય છે. ઘણીવાર ચહેરો થાકેલો લાગે છે. અને આ ‘પ્લાસ્ટિક સર્જરી’ વાળી થિયરી… અરે યાર, પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે પણ સમય જોઈએ છે! હું પણ લોહી, માંસ, સ્નાયુઓ અને હાડકાંની બનેલી એક માણસ છું. તેથી અલગ-અલગ દિવસે મારો ચહેરો અલગ દેખાઈ શકે છે, તેમાં કોઈ મોટી વાત નથી. સાચું કહું તો, મને મારો ચહેરો અને મારું શરીર ખૂબ પસંદ છે. મારે ખુશ રહેવા માટે દરરોજ પરફેક્ટ દેખાવાની જરૂર નથી. તેથી પ્લીઝ… આ માણસને થોડી શાંતિથી જીવવા દો.”
ઉલ્લેખનીય છે કે, અગાઉ ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પણ એક ટેડીની તસવીર પોસ્ટ કર્યા બાદ અલી ગોની સાથે તેના બ્રેકઅપની અફવાઓ ઉડી હતી, ત્યારે પણ જાસ્મિને સ્પષ્ટતા કરીને પોતાની દરેક પોસ્ટને અંગત જીવન સાથે ન જોડવા અપીલ કરી હતી.
