BANK : આજના સમયમાં સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતું) દરેક સામાન્ય નાગરિકની પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. પગાર જમા થવાથી લઈને વીજળી-પાણીના બિલ ભરવા અને રોજીંદા યુપીઆઈ (UPI) પેમેન્ટ સુધીના મોટાભાગના નાણાકીય વ્યવહારો આપણા સેવિંગ્સ ખાતા સાથે જોડાયેલા હોય છે.
પરંતુ ઘણીવાર એવું બને છે કે ખાતાધારકને ખ્યાલ પણ નથી આવતો અને ખાતામાંથી ધીમે-ધીમે નાની-નાની રકમ કપાતી રહે છે. લોકોને લાગે છે કે આ કોઈ ગરબડ છે, પરંતુ વાસ્તવમાં આ રકમ બેંકની નિયમ અને શરતો હેઠળ વસૂલાતા છુપા ચાર્જીસ (Hidden Charges) હોય છે. જો સમયસર કાળજી રાખવામાં આવે તો તમે આ બિનજરૂરી ચાર્જીસથી તમારી મહેનતની કમાણી બચાવી શકો છો.
૧. મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) પેનલ્ટીથી બચો
-
સમસ્યા: સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટમાં બેંકો દ્વારા દર મહિને કે ત્રિમાસિક ગાળે લઘુત્તમ સરેરાશ બેલેન્સ (Minimum Average Balance) જાળવી રાખવું ફરજિયાત હોય છે. જો ખાતામાં નિયત રકમ કરતાં ઓછું બેલેન્સ થાય, તો બેંક દર મહિને દંડ પેટે ₹૧૦૦ થી ₹૫૦૦ સુધીનો ચાર્જ વસૂલે છે.
-
કેવી રીતે બચશો?
-
ખાતું ખોલાવતી વખતે હંમેશા MAB ની મર્યાદા તપાસો.
-
સામાન્ય નાગરિકો માટે BSBDA (Basic Savings Bank Deposit Account) એક ઉત્તમ વિકલ્પ છે. RBI ના નિયમો મુજબ, આ પ્રકારના ઝીરો-બેલેન્સ ખાતામાં કોઈપણ મિનિમમ બેલેન્સ જાળવવાની શરત હોતી નથી અને પાયાની તમામ સુવિધાઓ મફત મળે છે.
-
૨. ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા અને વધારાનો ચાર્જ
-
સમસ્યા: મોટાભાગની બેંકો પોતાના ATM પરથી દર મહિને ૫ ફ્રી ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકોના ATM પરથી મેટ્રો શહેરોમાં ૩ તથા નોન-મેટ્રોમાં ૫ ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. આ મર્યાદા પૂરી થયા બાદ દરેક વધારાના રોકડ ઉપાડ પર ₹૨૧ થી ₹૨૫ (પ્લસ GST) સુધીનો ચાર્જ લાગે છે. આમાં બેલેન્સ ચેક કરવા જેવા નોન-ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શનનો પણ સમાવેશ થઈ જાય છે.
-
કેવી રીતે બચશો?
-
વારંવાર નાના ઉપાડ કરવાને બદલે મહિનામાં એક કે બે વાર જ જરૂરી રોકડ ઉપાડો.
-
બેલેન્સ ચેક કરવા કે મિની-સ્ટેટમેન્ટ માટે ATM ને બદલે નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા UPI એપનો ઉપયોગ કરો.
-
૩. ડેબિટ કાર્ડ એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ (AMC)
-
સમસ્યા: ઘણી બેંકો ખાતું ખોલાવતી વખતે ગ્રાહકોને પ્લેટિનમ કે સિગ્નેચર જેવા પ્રીમિયમ ડેબિટ કાર્ડ પકડાવી દે છે, જેનો વાર્ષિક રિન્યુઅલ ચાર્જ ₹૩૦૦ થી ₹૧,૦૦૦ સુધીનો હોઈ શકે છે.
-
કેવી રીતે બચશો?
-
જો તમને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કે લાઉન્જ એક્સેસ જેવી હાઈ-એન્ડ સુવિધાઓની જરૂર ન હોય, તો બેંક પાસેથી બેઝિક RuPay ક્લાસિક ડેબિટ કાર્ડ માંગો, જેનો વાર્ષિક ચાર્જ નહિવત અથવા સાવ શૂન્ય હોય છે.
-
જો તમારી પાસે વધારાનું કાર્ડ હોય જેનો ઉપયોગ ન કરતા હોવ, તો તેને તાત્કાલિક બ્લોક/બંધ કરાવી દો.
-
૪. SMS એલર્ટ ચાર્જીસ
-
સમસ્યા: બેંક ખાતામાં થતી દરેક નાની-મોટી લેવડદેવડના ટેક્સ્ટ મેસેજ મોકલવા બદલ બેંકો દર ત્રણ મહિને ₹૧૫ થી ₹૨૫ નો ત્રિમાસિક SMS ચાર્જ વસૂલે છે.
-
કેવી રીતે બચશો?
-
RBI ના નિયમ મુજબ મોટા ટ્રાન્ઝેક્શન અને સુરક્ષા એલર્ટ તો ફ્રી મળે જ છે. બિનજરૂરી પ્રમોશનલ એસએમએસથી બચવા માટે તમે બેંકિંગ એપ્લિકેશનના ‘ઇન-એપ નોટિફિકેશન’ અને ઇમેઇલ સ્ટેટમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો.
-
