સામાન્ય પ્રજા જ્યારે પોતાના ઘરમાં આગ લાગે કે કોઈ કટોકટી સર્જાય ત્યારે ફાયર બ્રિગેડની કાગડોળે રાહ જોતી હોય છે, પરંતુ દાહોદ જિલ્લામાં સરકારી ઇમરજન્સી સેવાનો ખુલ્લેઆમ અંગત કામકાજ માટે દુરુપયોગ થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાજપ સરકારના પૂર્વ રાજ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય બચુભાઈ ખાબડ ના અંગત બંગલાની દિવાળી પહેલાં સફાઈ કરવા માટે દેવગઢ બારિયા નગરપાલિકાનું ફાયર ફાઇટર વાહન મોકલવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડના કર્મચારીઓ હાઈ-પ્રેશર હોઝ પાઇપથી નેતાજીના વૈભવી મકાનની દીવાલો અને આંગણાની સફાઈ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચર્ચા જાગી છે.
હદ વટાવીને ૨૫ કિલોમીટર દૂર મોકલાયું ફાયર ફાઇટર
-
પોતાના વિસ્તારની બહાર કામગીરી: દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડનું માદરે વતન ધાનપુર તાલુકાના પીપેરો ગામે આવેલું છે.
-
૨૫ કિમીની મુસાફરી: દિવાળીના તહેવારો ટાણે પૂર્વ મંત્રીનું નિવાસસ્થાન ચમકતું દેખાય તે માટે દેવગઢ બારિયા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ પોતાની કાર્યક્ષેત્રની મર્યાદા ઓળંગીને છેક ૨૫ કિલોમીટર દૂર પીપેરો ગામે પહોંચી ગઈ હતી.
-
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નગરપાલિકાના કર્મચારીઓ, સરકારી પાણી અને હાઈ-પ્રેશર મશીનરીનો ઉપયોગ કરીને પૂર્વ મંત્રીના આલીશાન બંગલા પર પાણીનો ફુવારો મારીને ચોખ્ખોચણક કરી રહ્યા છે.
કૌભાંડમાં પુત્રોના નામ આવતાં અગાઉ મંત્રીપદ ગુમાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયા તાલુકામાં અગાઉ સામે આવેલા કરોડો રૂપિયાના સરકારી કૌભાંડમાં તત્કાલીન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી હતી. કૌભાંડમાં પુત્રોના નામ ઉછળતાં રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ વખતે બચુભાઈ ખાબડને મંત્રીપદેથી પડતા મૂકવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિક પાલિકા તંત્રમાં આજે પણ તેમની રાજકીય વગ યથાવત હોવાનો આ કિસ્સો પુરાવો આપી રહ્યો છે.
ફાયર ઓફિસરનો ખુલાસો: ‘પાલિકા પ્રમુખ અને CO ના આદેશથી વાહન મોકલ્યું’
આ ગંભીર બેદરકારી અને સરકારી સાધનોના દુરુપયોગ અંગે જ્યારે દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર ઓફિસર મયુર ચૌહાણનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આશ્ચર્યજનક વિગતો આપી હતી:
-
ઉચ્ચ અધિકારીઓના આદેશ: પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ અને ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાની સીધી મૌખિક સૂચના મળ્યા બાદ જ ફાયર ફાઇટર પીપેરો મોકલવામાં આવ્યું હતું.
-
નિયમ નથી છતાં ₹૨,૭૦૦ ચાર્જ લીધો: ફાયર ઓફિસરે સ્વીકાર્યું હતું કે નિયમ મુજબ ખાનગી ઘર ધોવા માટે ફાયર બ્રિગેડનું વાહન મોકલી શકાતું નથી. જોકે, મામલો દબાવવા માટે કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિ કિલોમીટર ₹૪૫ લેખે કુલ ₹૨,૭૦૦ નો સરકારી ચાર્જ જમા લેવામાં આવ્યો હોવાનો લૂલો બચાવ તેમણે કર્યો હતો.
કટોકટીના સમયે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા માટે વસાવાયેલા સરકારી વાહનો અને ટેક્સના નાણાંનો આ રીતે નેતાઓની દિવાળી સુધારવા માટે ઉપયોગ થતાં લોકોમાં પાલિકા વહીવટી તંત્ર સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
