Cameron Bancroft : વર્ષ ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ મેચ દરમિયાન થયેલા ચર્ચિત ‘સેન્ડપેપરગેટ’ (બોલ ટેમ્પરિંગ) કાંડ પર ૮ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરૂન બેનક્રોફ્ટે પ્રથમ વખત ખુલીને પોતાનું મૌન તોડ્યું છે. ૪,૦૦૦ શબ્દોના એક વિસ્તૃત લેખમાં બેનક્રોફ્ટે ચોંકાવનારો દાવો કરતાં જણાવ્યું છે કે બોલ સાથે છેડછાડ કરવાની યોજનામાં માત્ર તેઓ, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જ સામેલ નહોતા, પરંતુ આખી ટીમ અને કોચિંગ સ્ટાફ આ ષડયંત્રથી વાકેફ હતો.
ઉસ્માન ખ્વાજાના પુસ્તક અને પેટ કમિન્સના નિવેદન બાદ ફરી ગરમાયો વિવાદ
નોંધનીય છે કે ૨૦૧૮ના આ વિવાદ બાદ તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નર પર ૧-૧ વર્ષનો તથા બેનક્રોફ્ટ પર ૯ મહિનાનો પ્રતિબંધ મૂકાયો હતો. તાજેતરમાં તે સમયની ટીમના સભ્ય ઉસ્માન ખ્વાજાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે બોલ ટેમ્પરિંગની વાત આખી ટીમને ખબર હતી, જેનું વોર્નરે પણ સમર્થન કર્યું હતું. જોકે, વર્તમાન કેપ્ટન પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને મિચેલ માર્શે આ દાવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે તેમને કંઈ જ ખબર નહોતી.
કમિન્સની આ પ્રેસ કોન્ફરન્સ બાદ બેનક્રોફ્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, “છેલ્લા આઠ વર્ષથી મેં આખી ટીમને બચાવવા માટે આ બોજ એકલા હાથે ઉઠાવ્યો, જે મારી ક્ષમતા કરતાં વધુ હતો. કમિન્સનું નિવેદન સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો અને તે મને એક વિશ્વાસઘાત જેવું લાગ્યું, જેના કારણે હવે મારે પૂરું સત્ય સામે લાવવું પડ્યું છે.”
‘૨૦૧૮ની તપાસમાં મેં પૂરું સત્ય નહોતું જણાવ્યું, ચાહકોને સત્ય જાણવાનો હક છે’
બેનક્રોફ્ટે સ્વીકાર્યું હતું કે ૨૦૧૮માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ની પૂછપરછ દરમિયાન તેમણે પોતાના અંગત કારણોસર અને ટીમને બચાવવા માટે સંપૂર્ણ માહિતી આપી નહોતી. પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કના નિવેદનથી પ્રેરિત થઈને બેનક્રોફ્ટે વધુમાં ઉમેર્યું કે, ક્રિકેટ ચાહકો હજુ સુધી આ ઘટનાને ભૂલ્યા નથી અને તેમને સંપૂર્ણ સત્ય જાણવાનો પૂરો અધિકાર છે. તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મંચ પર જઈને કોઈ પણ અસ્પષ્ટતા વિના સમગ્ર ઘટનાની વિગતવાર રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે.
