Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

સાવધાન: મોબાઇલ પર અજાણી લિંક ખોલતાં જ બેંક ખાતું ખાલી! તહેવારોમાં નેશનલ સાયબર એડવાઇઝરી જાહેર

Cyber Crime

 Cyber Crime :  નવરાત્રી અને દિવાળી જેવા આગામી તહેવારો દરમિયાન ઓનલાઇન ખરીદી અને સોશિયલ મીડિયાના વધતા વપરાશ વચ્ચે સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા છે. તહેવારો ટાણે લોકોને પોતાની જાળમાં ફસાવી બેંક ખાતા સાફ કરી દેવાના વધતા જોખમને ધ્યાને રાખીને નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) દ્વારા સત્તાવાર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, તહેવારોમાં ટાઇમપાસ માટે મોબાઇલ વાપરતા નિર્દોષ નાગરિકોને પોર્નોગ્રાફી એપ્લિકેશન્સ, શંકાસ્પદ ઓફરો અને અશ્લીલ સામગ્રી દર્શાવતી લિંક્સ મોકલીને ફિશિંગ વેબસાઇટ્સ તરફ દોરવામાં આવે છે, જેના દ્વારા મોબાઇલ હેક કરીને આર્થિક છેતરપિંડી આચરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા લિંક્સથી કેવી રીતે રચાય છે છેતરપિંડીની જાળ?

  • સોશિયલ મીડિયાનો અતિરેક: ગુજરાતમાં ૩૦ લાખથી વધુ અને દેશભરમાં કરોડો લોકો રોજના ૩ થી ૭ કલાક વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વિતાવે છે. તહેવારો દરમિયાન લોકો ઘરવખરીની લોભામણી જાહેરાતો કે આકર્ષક કન્ટેન્ટ ધરાવતી અજાણી લિંક્સ પર ક્લિક કરવા લલચાય છે.

  • રીડાયરેક્શન ટ્રેપ: વોટ્સએપ કે સાદા એસએમએસ (SMS) દ્વારા મોકલવામાં આવેલી સામાન્ય દેખાતી લિંક્સ યુઝર્સને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ત્યારબાદ અજાણી ફિશિંગ કે પોર્નોગ્રાફી સાઇટ્સ તરફ રિડાયરેક્ટ કરે છે.

  • એપ ડાઉનલોડિંગથી હેકિંગ: આવી સાઇટ્સ પર પહોંચતાં જ યુઝરને ચોક્કસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા દબાણ કરવામાં આવે છે. એકવાર થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે સાયબર ઠગો સ્માર્ટફોનનો તમામ એક્સેસ મેળવીને બેંકિંગ ડેટા, ઓટીપી (OTP) અને અંગત વિગતો ચોરી લે છે.

ગુજરાતમાં સાયબર ક્રાઇમની ચિંતાજનક સ્થિતિ

ગુજરાત વિધાનસભા અને સત્તાવાર સાયબર સેલના આંકડા મુજબ રાજ્યમાં સાયબર ગુનાઓ ભયજનક સપાટીએ પહોંચ્યા છે:

  • ૭ મહિનામાં ૧.૦૬ લાખ ફરિયાદો: રાજ્યમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીના માત્ર ૭ મહિનાના ગાળામાં ૧.૦૬ લાખ સાયબર ચીટિંગની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

  • દર કલાકે ૨૧ ભોગ: ગુજરાતમાં સરેરાશ દર કલાકે ૨૧ નિર્દોષ નાગરિકો સાયબર ઠગાઈનો શિકાર બની રહ્યા છે, જેની સામે નાણાં રિકવર થવાનો દર ઘણો ઓછો છે.

  • અમદાવાદમાં ₹૧૩૪ કરોડની ઠગાઈ: ફેબ્રુઆરી ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળામાં માત્ર અમદાવાદના નાગરિકોએ ₹૧૩૪ કરોડ ગુમાવ્યા હતા, જેમાંથી પોલીસ તંત્ર માત્ર ૩૬% એટલે કે આશરે ₹૪૯ કરોડ જ પરત અપાવી શક્યું છે.

સાયબર ઠગોથી બચવા શું સાવચેતી રાખવી?

સાયબર સુરક્ષા નિષ્ણાતોએ તહેવારો દરમિયાન નીચે મુજબના પગલાં લેવાની સલાહ આપી છે:

  • અજાણી લિંક પર ક્લિક ન કરો: સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ્સ પર અજાણ્યા નંબર પરથી આવતી કોઈપણ લિંક કે વિડીયો ડાઉનલોડ કરવાની ભૂલ ન કરવી.

  • થર્ડ પાર્ટી એપ્સ ટાળો: ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર સિવાય કોઈપણ બ્રાઉઝર કે લિંક પરથી APK ફાઇલો ઇન્સ્ટોલ ન કરવી.

  • એપ પરમિશન ચેક કરો: કોઈપણ નવી એપ ઇન્સ્ટોલ કરતી વખતે કોન્ટેક્ટ્સ, કેમેરા કે ગેલેરીની બિનજરૂરી પરવાનગી આપવાનું ટાળો.

  • શંકાસ્પદ એપ ક્લિક થઈ જાય તો: જો ભૂલથી કોઈ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય, તો તરત જ મોબાઇલનું ઇન્ટરનેટ બંધ કરી ફોનને ‘Safe Mode’ માં લઈ જઈને તે એપ અનઇન્સ્ટોલ કરો અને ફોન રીસ્ટાર્ટ કરો.

  • સાયબર હેલ્પલાઇન: જો કોઈપણ પ્રકારની નાણાકીય છેતરપિંડી થાય, તો તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ અથવા હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવો.

 

સંબંધિત પોસ્ટ્સ

IAS vs IFS: કોનો પગાર અને કમાણી વધારે હોય છે? અંકુર વારીકુએ સમજાવ્યો સેલરી, ભથ્થાં અને કરિયરનો ચોંકાવનારો હિસાબ

praxpatel

મોંઘવારીનો વધુ એક ડામ: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી કટિંગ ચાનો ભાવ ₹15

praxpatel

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો: હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં

praxpatel