Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતની સ્કૂલોમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર સંપૂર્ણ રોક: મંજૂરી વિના રીલ્સ કે વીડિયો બનાવ્યા તો POCSO અને IT એક્ટ હેઠળ કડક ગુનો નોંધાશે!

POCSO : દાહોદની એક સ્કૂલમાં બનેલી આઘાતજનક ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી અને મહાનગરપાલિકા (કોર્પોરેશન) સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા, સલામતી અને ગોપનીયતાને લઈને અત્યંત કડક અને મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી શાળા પરિસરમાં પ્રવેશવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે.

શાળા પરિસરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે સોશિયલ મીડિયા માટે રીલ્સ કે શોર્ટ વીડિયો બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે પોક્સો (POCSO) એક્ટ અને આઈટી એક્ટ હેઠળ કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.

મુલાકાતીઓ માટે રજિસ્ટર ફરજિયાત: પરવાનગી વિના ક્લાસરૂમ કે પરિસરમાં પ્રવેશ નહીં

શિક્ષણ વિભાગના નવા પરિપત્ર અનુસાર પ્રવેશ પ્રક્રિયામાં નીચે મુજબના નિયમો લાગુ કરાયા છે:

  • લેખિત પરવાનગી: વિદ્યાર્થીઓના વાલીઓ, અધિકૃત શૈક્ષણિક અધિકારીઓ અને સંકલનકારો સિવાયની કોઈ પણ બહારની કે બિનઅધિકૃત વ્યક્તિએ શાળામાં પ્રવેશતાં પહેલાં પ્રિન્સિપાલ પાસેથી લેખિત મંજૂરી લેવી પડશે.

  • વિઝિટર રજિસ્ટરમાં એન્ટ્રી: શાળામાં પ્રવેશતા દરેક મુલાકાતીએ વિઝિટર રજિસ્ટરમાં પોતાનું પૂરું નામ, મોબાઈલ નંબર, આવવાનો હેતુ અને સમયની સચોટ નોંધ કરાવવાની રહેશે.

  • પ્રતિબંધિત વિસ્તારો: મંજૂરી વિના ક્લાસરૂમ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, સ્કૂલનું મેદાન, હોસ્ટેલ કે શૌચાલય જેવા વિસ્તારોમાં બહારની કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ સદંતર પ્રતિબંધિત રહેશે.

રીલ્સ, શોર્ટ વીડિયો અને લાઇવ સ્ટ્રીમિંગ પર તરાપ

સોશિયલ મીડિયાના વધતા ચલણ વચ્ચે શાળાઓમાં ડિજિટલ પ્રવૃત્તિઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે:

  • મનોરંજન માટે રીલ્સ બનાવવા પર રોક: શાળા સમય દરમિયાન મનોરંજન કે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાના હેતુથી વિદ્યાર્થીઓ કે શિક્ષકો સાથે રીલ્સ, શોર્ટ વીડિયો, ઇન્ટરવ્યૂ કે ઓડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહીં.

  • કાયદેસરની કડક કાર્યવાહી: બાળકોની સુરક્ષા અને પ્રાઈવસી જોખમાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ જણાશે તો સંબંધિત વ્યક્તિ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ (POCSO Act) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ (IT Act) હેઠળ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

રાજકીય અને સરકારી કાર્યક્રમો અંગે સવાલો

સરકારની આ માર્ગદર્શિકા જારી થયા બાદ સરકારી શાળાઓમાં અવારનવાર યોજાતા રાજકીય અને સરકારી કાર્યક્રમોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે:

  • નેતાઓ, પક્ષના પદાધિકારીઓ કે બહારના અગ્રણીઓ શાળામાં પ્રવેશે ત્યારે તેમના માટે લેખિત મંજૂરી અને નિયમોનું પાલન કઈ રીતે સુનિશ્ચિત થશે તે અંગે પણ સ્પષ્ટતાની માંગ ઉઠી છે.

નોંધનીય છે કે, ગુજરાત પહેલાં માર્ચ મહિનામાં દિલ્હી સરકારે અને ઓગસ્ટ મહિનામાં રાજસ્થાન સરકારે પણ સ્કૂલોમાં બહારના લોકોના પ્રવેશ તથા અનધિકૃત ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી પર નિયંત્રણો લાદતી આ પ્રકારની કડક ગાઈડલાઈન્સ લાગુ કરી હતી. હવે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્રે કમર કસી છે.

સંબંધિત પોસ્ટ્સ

IPLમાં થવા જઈ રહી છે યુવરાજ સિંહની વાપસી: દિલ્હી કેપિટલ્સમાં સંભાળશે આ મોટી જવાબદારી

praxpatel

કિન્નર: જન્મથી જ વ્યંઢળ નથી હોતા! અમદાવાદમાં દર વર્ષે 20થી વધુ ટ્રાન્સજેન્ડરનો ઉમેરો, જાણો શું કહે છે તબીબી વિજ્ઞાન

praxpatel