કોસોવોની સંસદ (એસેમ્બલી) માં શનિવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. અહીં સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષી દળના મહિલા સાંસદે દેશના કાર્યવાહક વડાપ્રધાન (કેરટેકર પીએમ) એલ્બિન કુર્તી પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટના બાદ સંસદની કાર્યવાહી તાત્કાલિક અસરથી રોકી દેવી પડી હતી.
આ હંગામો ત્યારે થયો જ્યારે કાર્યવાહક પીએમ એલ્બિન કુર્તીની પાર્ટી ‘વેતેવેન્દોસ્જે’ (Vetevendosje) 7 જૂનના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણી પછી સરકાર બનાવવા માટે વિપક્ષી જૂથો સાથે કરાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. નોંધનીય છે કે ‘વેતેવેન્દોસ્જે’ 120 સંસદીય બેઠકોમાંથી 53 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ ગઠબંધન સહયોગીઓ વિના સરકાર ચલાવવા માટે જરૂરી બહુમતી તેની પાસે નથી.
પીએમ પર ફેંક્યા ઈંડા, સિક્યુરિટીએ ઘેરી લીધા
વિપક્ષી પાર્ટી ‘એલાયન્સ ફોર ધ ફ્યુચર ઓફ કોસોવો’ (AAK) ના સાંસદ ટાઈમ કાદ્રિયાજ (Time Kadrijaj) પ્રથમ હરોળમાં બેઠેલા પીએમ કુર્તી પાસે ગયા અને તેમની તરફ એકપછી એક ઘણા ઈંડા ફેંક્યા. તેમણે બૂમ પાડીને કહ્યું, “તમને શરમ આવવી જોઈએ!”
આ ઘટના બનતા જ સુરક્ષાકર્મીઓ અને સહયોગી સાંસદો બચાવ માટે વચ્ચે આવ્યા હતા. ઘટનાના તુરંત બાદ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓએ પીએમને ઘેરી લીધા બાદ ચેરપર્સને લાઈવ ટેલિવિઝન પ્રસારણ રોકવાનો આદેશ આપ્યો હતો. બાદમાં સાંસદ કાદ્રિયાજે આ ઘટનાના વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
પીએમ કુર્તીની પ્રતિક્રિયા
આ હોબાળા પર પ્રતિક્રિયા આપતા પીએમ કુર્તી ખાસ વિચલિત દેખાયા નહોતા. તેમણે કહ્યું કે જો તેમના પર ઈંડા ફેંકવા એ રાજકીય વાટાઘાટો જીવંત રાખવાની કિંમત હોય, તો “હું આ કિંમત ચૂકવવા તૈયાર છું.”
વાસ્તવમાં, એસેમ્બલીની બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે કુર્તી સંસદના સ્પીકર પદ માટે ઉમેદવારના નામની જાહેરાત કરે. પરંતુ તેના બદલે તેમણે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર કરાર કરવા માટે વધુ સમય માંગ્યો અને સ્વીકાર્યું કે રાષ્ટ્રપતિ પદ અંગે ચાલી રહેલી વાટાઘાટોમાં કોઈ સર્વસંમતિ સધાઈ નથી.
2 વર્ષમાં 3 સામાન્ય ચૂંટણીઓ
કોસોવો લાંબા સમયથી રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું છે. વારંવારના સંસદીય અસંતોષ અને મડાગાંઠના કારણે બે વર્ષથી ઓછા સમયમાં ત્રણ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. 7 જૂને ફરીથી ચૂંટણીઓ યોજવી પડી હતી કારણ કે સાંસદો નક્કી સમયમાં રાષ્ટ્રપતિ ચૂંટી શક્યા નહોતા.
સરકાર બનાવવા માટે કુર્તીની પાર્ટીને વિપક્ષી ‘ડેમોક્રેટિક લીગ ઓફ કોસોવો’ (LDK – 18 સીટો) અને ‘કોસોવો ડેમોક્રેટિક પાર્ટી’ (PDK – 22 સીટો) ના સમર્થનની જરૂર છે, પરંતુ અનેક રાઉન્ડની વાટાઘાટો પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
Kosovo: Opposition MP Time Kadriaj threw eggs at acting PM Albin Kurti after he requested more time for consultations before nominating a parliamentary speaker. The opposition argues the Constitutional Court’s deadline has already expired, making the session unconstitutional. pic.twitter.com/XTzB8Kwl3r
— DDF NEWS (@ddfmarketing1) August 8, 2026
ફરીથી ચૂંટણીઓ યોજવી પડી શકે છે
કોસોવોના બંધારણીય નિયમો મુજબ, ચૂંટણીના અંતિમ પરિણામોની પુષ્ટિ થયાના 30 દિવસની અંદર એસેમ્બલીની રચના થઈ જવી જોઈએ. તે સમયમર્યાદા વીતી ચૂકી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 2 મહિનાની સમયમર્યાદા નક્કી હોય છે. જો તે મર્યાદામાં રાષ્ટ્રપતિ ચૂંટી ન શકાય તો આપોઆપ સંસદ વિસર્જિત થઈ જાય છે અને નવી ચૂંટણીઓ યોજવી પડે છે, જેથી કોસોવોમાં ફરી એકવાર સામાન્ય ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.
