Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

હવે પૂર્ણ થશે ચંદ્ર, સુધા અને પ્રીતિની અધૂરી પ્રેમ કહાની, વણઉકેલાયેલા પ્રશ્નોના જવાબો શોધવા પાછી ફરી રહી છે ‘મુસાફિર કૅફે’

હવે પૂર્ણ થશે ચંદ્ર, સુધા અને પ્રીતિની અધૂરી પ્રેમ કહાની, અણઉકેલાયેલા પ્રશ્નોના જવાબો શોધવા પાછી ફરી રહી છે 'મુસાફિર કૅફે'

OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સની લોકપ્રિય વેબ સિરીઝ ‘મુસાફિર કૅફે’ના ચાહકો માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. પહેલી સીઝનની જબરદસ્ત સફળતા અને દર્શકોના શાનદાર પ્રતિસાદ બાદ મેકર્સે સત્તાવાર રીતે તેની બીજી સીઝનની જાહેરાત કરી દીધી છે. ચંદ્ર, સુધા અને પ્રીતિની ગૂંચવાયેલી જિંદગી, લાગણીઓનું તાણવાણું અને દિલને સ્પર્શી જાય તેવા સંવાદોએ દર્શકોના દિલ પર જે છાપ છોડી હતી, તે વાર્તા હવે એક નવા મોડ સાથે આગળ વધવા માટે તૈયાર છે.

અધૂરા પ્રશ્નોના જવાબો શોધવા પાછી ફરશે નવી સીઝન

‘મુસાફિર કૅફે’ના પહેલા પાર્ટનો અંત દર્શકોને એક એવા ભાવનાત્મક મોડ પર છોડી ગયો હતો, જ્યાં ઘણા પ્રશ્નોના જવાબો મળવાના બાકી હતા. નવી સીઝન એ જ અણઉકેલાયેલા સંબંધો અને સંબંધોની જટિલતાઓને ફરીથી તપાસશે. શું ચંદ્ર આખરે પોતાના સાચા પ્રેમ અને દિલના અવાજને ઓળખી શકશે? શું સમય અને સંજોગો સુધા અને ચંદ્રને ફરી એકવાર આમને-સામને લાવીને ઊભા કરશે? અને પોતાની જિંદગીમાં પ્રેમ તેમજ જીવનસાથીના નવા અર્થ શોધી રહેલી પ્રીતિનો સફર કઈ દિશામાં આગળ વધશે? સીઝન 2 આ તમામ સંબંધોના ઉતાર-ચઢાવને ખૂબ જ સંવેદનશીલ અંદાજમાં પડદા પર કંડારવાનું વચન આપે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આવેલી સીઝનને દર્શકોની સાથે ક્રિટિક્સ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો, ઇન્ડિયા ટીવીએ તેને 3.5 રેટિંગ આપ્યું હતું.

શોની ક્રીએટર શરણ્યા રાજગોપાલે વ્યક્ત કરી પોતાની ખુશી

સિરીઝના પુનરાગમન પર પોતાની ઉત્સુકતા વ્યક્ત કરતા શોના રાઇટર અને ક્રીએટર શરણ્યા રાજગોપાલે દર્શકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે એક વાર્તાકાર તરીકે તમે હંમેશાં એ જ આશા રાખો છો કે તમારા સર્જેલા પાત્રો લોકોના દિલમાં ઉતરી જાય. જે રીતે દર્શકોએ ચંદ્ર, સુધા અને પ્રીતિને અપનાવ્યા છે અને તેમની સાથે રડ્યા-હસ્યા છે, તેણે મને ખૂબ ભાવુક કરી દીધી છે. શરણ્યાએ વધુમાં કહ્યું, ‘એવું લાગી રહ્યું હતું કે દર્શકો આ પાત્રોને અલવિદા કહેવા માટે તૈયાર નહોતા અને સાચું કહું તો હું પણ આ સફરને અહીં પૂરો કરવા નહોતી માંગતી. મારા માટે આ વાર્તા હજુ શરૂ જ થઈ છે. હું નેટફ્લિક્સની ખૂબ આભારી છું, જેમણે મારી વિચારસરણી અને આ વાર્તાની સાદગી પર વિશ્વાસ મૂક્યો અને દરેક પગલે મારો સાથ આપ્યો. સીઝન 2 એ તમામ ફેન્સ માટે અમારો એક પ્રેમપત્ર હશે જેમણે આ શોને આટલો બધો પ્રેમ આપ્યો છે.’

દિવ્યા પ્રકાશ દુબેની પ્રખ્યાત નવલકથા પર આધારિત છે વાર્તા

આ વેબ સિરીઝ જાણીતા લેખક દિવ્યા પ્રકાશ દુબેની ચર્ચિત નવલકથાના પાત્રો પર આધારિત છે. શરણ્યા રાજગોપાલ દ્વારા સર્જિત અને લિખિત આ શોનું નિર્દેશન રૂચિર અરુણે કર્યું છે. તેનું નિર્માણ ટેરિબલી ટાઈની ટેલ્સ અને હોમમેઇડ સ્ટોરીઝના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જો સ્ટારકાસ્ટની વાત કરીએ તો સિરીઝમાં વિક્રાંત મેસી, વેદિકા પિંટો અને મહિમા મકવાણા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ સિવાય આદિલ હુસૈન, રાજીવ સિદ્ધાર્થ, અનુભા ફતેહપુરિયા, લવલીન મિશ્રા અને સાદિયા સિદ્દીકી જેવા અનુભવી કલાકારોએ પણ પોતાની અદાકારીથી વાર્તામાં પ્રાણ પૂૂર્યા છે. હવે જોવાનું એ રહેશે કે બીજી સીઝન દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે.


સંબંધિત પોસ્ટ્સ

PUC વગર પેટ્રોલ-ડીઝલ નહીં મળે: ફક્ત BS-6 એન્જિનવાળા વાહનોને જ એન્ટ્રી, વધતા પ્રદુષણને લઈ દિલ્હીમાં GRAP-4 લાગુ

Gujarat Plus

Video/ અરિજીત સિંહના અવાજનો જાદુ: આમિરના પુત્ર જુનૈદ અને સાઈ પલ્લવીનું નવું ગીત ‘ખ્વાબ દેખું’ રિલીઝ

praxpatel

હંસિકા મોટવાણીના છૂટાછેડા: લગ્નના 4 વર્ષમાં સોહેલ કથુરિયા સાથેનો સંબંધ તૂટ્યો, એલીમની પર લીધો મોટો નિર્ણય

praxpatel