તમિલનાડુના રાજકારણમાં હાઈ-પ્રોફાઈલ નેતાઓની ધરપકડ થવી એ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં ૧૯૯૬માં જયલલિતા અને ૨૦૦૧માં કરુણાનિધિની અડધી રાત્રે થયેલી ધરપકડ આ રાજ્યે જોઈ છે. હવે વર્ષ ૨૦૨૬માં આ યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને વર્તમાન વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટેલિનનું નામ પણ ઉમેરાઈ ગયું છે.
તમિલનાડુની આ નવી રાજકીય લડાઈ રાજ્યના બે યુવા નેતાઓ—મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટેલિન વચ્ચેના તીવ્ર સંઘર્ષનો સંકેત આપે છે.
શું છે સમગ્ર વિવાદ?
કાાવેરી મુદ્દે તંજાવુરમાં યોજાયેલા ડીએમકે (DMK)ના એક પ્રદર્શન દરમિયાન જ્યારે ભીડ “તૃષા, તૃષા”ના નારા લગાવી રહી હતી, ત્યારે ઉદયનિધિ સ્ટેલિન દ્વારા કથિત રીતે દ્વિઅર્થી (Double Meaning) અને અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી હતી. જાણીતી અભિનેત્રી તૃષા મુખ્યમંત્રી વિજયની પૂર્વ સહ-કલાકાર રહી ચૂકી છે.
આ ટિપ્પણીનો ૨ મિનિટ ૩૯ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિજયની પાર્ટી TVK અને ભાજપે તેનો સખત વિરોધ કર્યો હતો. મહિલાઓના અપમાન અને આઈટી એક્ટ હેઠળ તંજાવુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી.
ઘરના શૌચાલયમાંથી થઈ ધરપકડ
એફઆઈઆર નોંધાયાના ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં ચેન્નઈના નીલાંકરાઈ સ્થિત ઉદયનિધિના નિવાસસ્થાને પોલીસ કાફલો પહોંચી ગયો હતો.
જ્યારે પોલીસ ધરપકડ કરવા પહોંચી ત્યારે ઉદયનિધિ બાથરૂમમાં હતા. તેમના પત્નીએ પોલીસને થોડો સમય રાહ જોવા વિનંતી કરી હતી, પરંતુ પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેમની અટકાયત કરી હતી.
ધરપકડ બાદ ઉદયનિધિ સ્ટેલિને પોતાની ટિપ્પણીનો બચાવ કરતા પૂછ્યું હતું કે, “શું મેં કંઈ ખોટું કહ્યું છે?” બીજી તરફ, મદ્રાસ હાઈકોર્ટમાં તમિલનાડુ સરકારે સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ ઉદયનિધિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નથી, પરંતુ પૂછપરછ બાદ સ્ટેશન બેલ (જામીન) પર મુક્ત કરી દેવાશે.
બદલાયેલું સત્તાનું સમીકરણ
ગત દિવસોમાં જ્યારે તમિલનાડુમાં DMKની સરકાર હતી અને ઉદયનિધિના પિતા મુખ્યમંત્રી હતા, ત્યારે સનાતન ધર્મ કે હિન્દી ભાષા અંગેના વિવાદિત નિવેદનો આપ્યા પછી પણ તેઓ કાનૂની ગૂંચવણોમાંથી બચી જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે:
-
મુખ્યમંત્રી: સી. જોસેફ વિજય (TVK)
-
વિપક્ષી નેતા: ઉદયનિધિ સ્ટેલિન (DMK)
CM વિજયનો કડક સંદેશ
અભિનેતામાંથી નેતા બનેલા જોસેફ વિજયે પોતાની સરકારનો મજબૂત ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. વ્યક્તિગત હુમલા અને વિવાદિત નિવેદનો ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત આ ઝડપી પોલીસ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે. તમિલનાડુનું આ રાજકારણ હવે એક નવા અને વધુ આક્રમક તબક્કામાં પ્રવેશ્યું છે.
