બિહારના સુપૌલ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ખેડૂત લગભગ ૫ ફૂટ લાંબા જીવંત મગરને પોતાના ખભા પર લટકાવીને પગપાળા પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. આ અનોખી ઘટના પણચાયતના ભીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપુર ગામમાં બની હતી.
ડાંગરના ખેતરમાંથી મળ્યો મગર
ગામના ખેડૂત અમિત કુમાર પોતાના ડાંગરના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની નજર એક વિશાળ મગર પર પડી હતી. ખેતરમાં મગર દેખાતા જ ગ્રામજનોમાં અફડાતફડી મચી ગઈ હતી.
પરંતુ ખેડૂતોએ હિંમત અને સમજુતી બતાવીને મગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લીધો હતો. કોઈને કરડે નહીં તે માટે દોરડા વડે તેનું મોં બાંધી દેવામાં આવ્યું હતું.
ફોરેસ્ટ ઓફિસમાં કોઈ ન મળતા પહોંચ્યો પોલીસ સ્ટેશન
મગરને પકડ્યા બાદ ખેડૂત અમિત કુમારે તેને પોતાના ખભા પર ઊંચકી લીધો અને ચાલતો ચાલતો વન વિભાગની (Forest Department) ઓફિસે પહોંચ્યો. પરંતુ ત્યાં કોઈ કર્મચારી હાજર નહોતો.
આથી, અમિત મગરને ખભા પર લઈને સીધો ભીમનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ખેડૂતને આ હાલતમાં જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર તમામ પોલીસકર્મીઓ દંગ રહી ગયા હતા.
કોસી નદીમાં મગરને મુક્ત કરાયો
પોલીસે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મગરને પોતાના કબજામાં લીધો હતો.
ત્યારબાદ મગરની શારીરિક તપાસ કરીને તેને સુરક્ષિત રીતે કોસી નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ખેડૂતની આ હિંમત અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
