Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટીફિકેટ, ગુનો દાખલ

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટીફિકેટ, ગુનો દાખલ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓફિસ કામ માટે જરૂરી કાગળના સપ્લાયનો મોટો સરકારી કોન્ટ્રાક્ટ (ટેન્ડર) મેળવી લેવા માટે નારણપુરાના એક વેપારીએ તમિલનાડુની પ્રતિષ્ઠિત કંપનીનું બોગસ ડીલરશીપ સર્ટીફિકેટ બનાવ્યું હોવાનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે AMCના સેન્ટ્રલ સ્ટોર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

ઝેરોક્ષ પેપરના 12,000 પેકેટનો હતો કોન્ટ્રાક્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જમાલપુર દરવાજા બહાર આવેલા સેન્ટ્રલ સ્ટોર દ્વારા ઓફિસ કામગીરી માટે A4 સાઇઝના, 75 GSM (TNPL/JK કોપીયર બ્રાન્ડ)ના 12,000 નંગ પેકેટની ખરીદી કરવા માટે ઓનલાઈન પોર્ટલ પર ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર પ્રક્રિયામાં સૌથી ઓછું ભાવપત્રક ભરીને નારણપુરાના અંકુર રોડ પર રહેતા કૃણાલ શાહ (ઇમ્પ્રીન્ટ ટ્રેડર્સના માલિક) રેસમાં આગળ આવ્યા હતા.

અવાચ્ય સહી-સિક્કા અને લોગોએ શંકા જગાડી

ટેન્ડરની શરતો મુજબ, વેપારીએ તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર્સ લિમિટેડ (TNPL) કંપનીનું સત્તાવાર ઓથોરિટી કે ડીલરશીપ સર્ટીફિકેટ રજૂ કરવું અનિવાર્ય હતું. કૃણાલ શાહે રજૂ કરેલા સર્ટીફિકેટમાં કંપનીના નામ નીચે મારેલો સિક્કો અને સહી અવાચ્ય (ઓળખાય નહીં તેવી) જણાતા ટેન્ડર વિભાગના સ્ટાફને શંકા ગઈ હતી.

AMCની વિજિલન્સ તપાસમાં કૌભાંડ ખૂલ્યું

સેન્ટ્રલ સ્ટોરના ટેકનિકલ સ્ટાફે વધુ ચકાસણી માટે મૂળ કંપની (TNPL)નો ઈમેલ દ્વારા સંપર્ક સાધ્યો હતો. કંપની તરફથી સત્તાવાર જવાબ મળ્યો કે, ઇમ્પ્રીન્ટ ટ્રેડર્સ દ્વારા રજૂ કરાયેલું ડીલરશીપ સર્ટીફિકેટ તદ્દન ખોટું અને બનાવટી છે. આ ગંભીર બાબત સામે આવતા જ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વિજિલન્સ વિભાગ દ્વારા આખી તપાસ હાથ ધરવામાં આવી હતી, અને અહેવાલના આધારે કાયદેસરની કાર્યવાહી નક્કી કરાઈ હતી.

ગાયકવાડ હવેલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

આખરે AMCના આસિસ્ટન્ટ મેનેજર પ્રકાશચંદ્ર મકવાણાની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી વેપારી કૃણાલ શાહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસને અગાઉના ટેન્ડરોમાં પણ શંકા

પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વેપારીની પૂછપરછ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે, આ વેપારીએ ભૂતકાળમાં પણ આવા જ કોઈ બનાવટી સર્ટીફિકેટ સબમિટ કરીને કોર્પોરેશનના અન્ય કોન્ટ્રાક્ટ મેળવ્યા હોઈ શકે છે, જે દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

<

સંબંધિત પોસ્ટ્સ

ઈરાન સાથે યુદ્ધમાં ટ્રમ્પનો મોટો ‘યુ-ટર્ન’: અમેરિકાએ કેમ પાછા ખેંચવા પડ્યા ડગલા? જાણો 5 મોટા કારણો

praxpatel

ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યો, 6 એરપોર્ટ બંધ થતાં 300થી વધુ ફ્લાઇટ્સ પર અસર

praxpatel

ગુજરાત હવામાન અપડેટ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

praxpatel